Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

'પ્રિન્સ ઓફ કોલકતા' ૨૦૨૧માં પ.બંગાળમાં બનશે BJPનો ચહેરો? ડીલ થઇ ગઇ છે?

ગૃહમંત્રી સાથે મુલાકાત સૂચક?

નવી દિલ્હી, તા.૧પઃ શું બીસીસીઆઈ ચીફના ૧૦ મહિનાના કાર્યકાળ બાદ સૌરવ ગાંગુલી રાજનીતિમાં એન્ટ્રી કરશે? ચર્ચાઓનું માનીએ તો પ્રિન્સ ઓફ કોલકાતાના નામથી મશહૂર ગાંગુલી ૨૦૨૧માં પશ્યિમ બંગાળમાં બીજેપીનો ચહેરો બની શકે છે. જો કે, ગાંગુલીએ અત્યારે આ મામલે વાત કરવાનો સાફ ઈન્કાર કર્યો છે.

ગાંગુલીએ ફકત ૧૦ મહિના માટે બીસીસીઆઈ ચીફ બનવા તૈયાર થઈ ગયો તે પણ અનેક સવાલો ઉભા કરે છે. હકીકતમાં અધ્યક્ષ બનવું ગાંગુલી માટે ફાયદા કરતાં નુકસાનનો સોદો વધારો છે. અધ્યક્ષ બન્યા બાદ ગાંગુલીને કોમેન્ટ્રી અને મીડિયા કોન્ટ્રાકટથી મળતાં લગભગ ૭ કરોડ રૂપિયાનું નુકસાન થશે. જયારે બીસીસીઆઈ અધ્યક્ષ બની જશે તો આવી કોઈ ગતિવિધિમાં તે સામેલ નહીં થઈ શકે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની કોચિંગનું સપનું પણ તૂટી જશે.

કહેવામાં આવી રહ્યું છે કે, ગાંગુલી અધ્યક્ષ બનવા માટે એટલે રાજી થઈ ગયો કેમ કે તે બંગાળમાં બીજેપીના મુખ્યમંત્રીનો ચહેરો બનવાની ઓફરનો સ્વીકાર કરશે. જયાં સુધી બીસીસીઆઈ અધ્યક્ષ પદ પર તેનો કાર્યકાળ ખતમ થઈ જશે ત્યાં સુધી બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં આવી જશે.

જો કે જયારે આ મામલે ગાંગુલીને પુછવામાં આવ્યું કે શું તે ૨૦૨૧જ્રાક્નત્ન બીજેપી માટે બંગાળનો ચહેરો હશે. તો ગાંગુલીએ કહ્યું કે, કોઈ રાજનેતા મારા સંપર્કમાં નથી અને આ હકીકત છે. જયાં સુધી મમતા દીદીની વાત છે તો તેમનો બધાઈ સંદેશ મેળવીને હું ખુશ છું. પણ હકીકત એ છે કે, ગાંગુલી અમિત શાહ, અનુરાગ ઠાકુર અને હેમંત બિસ્વા શર્માને મળ્યો છે.

૪૭ વર્ષીય ગાંગુલીને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને આસામના બીજેપી નેતા હેમંત બિસ્વા શર્માનો સાથ મળ્યો હતો. બીજેપીનો સાથ જે પ્રકારે ગાંગુલીને મળ્યો છે તે જોતાં અનેક અટકળો વહેતી થઈ છે. ગાંગુલીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં અનુરાગ ઠાકુર સાથે તે જોવા મળી રહ્યો છે.

એટલું જ નહીં, ગાંગુલીએ શનિવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અને માનવામાં આવે છે કે, આ મુલાકાત બાદ જ ગાંગુલીના બીસીસીઆઈ ચીફ બનવાનો રસ્તો સાફ થયો હતો.

ગાંગુલીને આ વચ્ચે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તમને તમારા કાર્યકાળ માટે શુભકામનાઓ. અમને બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે તમારા કાર્યકાળ ઉપર ગર્વ છે. આગામી શાનદાર પારી માટે શુભકામના.

(4:06 pm IST)