Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હદ થઈ ગઈઃ પીએમસી બેંકના એમડીએ સંપત્તિ માટે ધર્મ બદલ્યો

પીએ સાથે કર્યા છે લગ્નઃ પીએના નામે કરોડો રૂપિયાના નવ ફલેટ

નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકના સસ્પેન્ડ એમડી અને જેલમાં પુરાયેલા જોય થોમસ (૬૨)ને ૨ પત્નિઓ છે. તેણે પોલીસને જણાવ્યુ છે કે ૨૦૦૫માં તેણે મુસ્લિમ ધર્મ અપનાવીને પોતાનું નામ જોયમાંથી જુનેદ રાખીને પોતાની પીએ સાથે બીજા લગ્ન કર્યા હતા જેના નામ પર પૂણેમાં નવ ફલેટ છે.

થોમસે પહેલી પત્નિ હોવા છતાં ૨૦૦૫માં પીએ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી પીએ એ તેના લગ્ન થવાના છે અને દુબઈ જવાની છે એવું કહીને નોકરી છોડી દીધી હતી. ત્યાર પછી તે પૂણેમાં શિફટ થઈ ગઈ હતી. થોમસે પોલીસને જણાવ્યુ કે નાણાકીય રેકોર્ડમાં તેનુ નામ જોય જ છે. જુનૈદ તો સગવડ માટે રાખ્યુ હતુ. તેની પહેલી પત્નિએ છુટાછેડાની અરજી આપેલી છે.

પોલીસે પૂણે અને થાણેમાં ચાર ફલેટો સીલ કર્યા છે જેમાંથી એક ફલેટ તેની પહેલી પત્નિના પુત્રના નામે છે. પોલીસ હવે એ ભાળ મેળવી રહી છે કે જોયની પીએ એ ચાર કરોડ રૂપિયાના નવ ફલેટો કેવી રીતે ખરીદયા હતા. તેમા ગોટાળો જણાશે તો પોલીસ તે ફલેટો સીલ કરશે.

પોલીસ અધિકારીનું માનીએ તો તેની બીજી પત્નિ ચોકલેટનો ધંધો કરે છે અને બુટીક પણ ચલાવે છે. તેમાંથી તે સારા એવા પૈસા કમાઈ લે છે. આ ઉપરાંત તે પૂણેના ફલેટોનું ભાડુ પણ ઉઘરાવે છે.

(3:42 pm IST)