Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રામ મંદિર કેસના ચુકાદા પહેલા મુખ્ય પૂજારીની સુરક્ષામાં વધારો

નવી દિલ્હી તા. ૧પઃ અયોધ્યા કેસના સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને અયોધ્યા જીલ્લા પ્રશાસન સજાગ છે. ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યામાં વિવાદિત શ્રી રામ જન્મભૂમિ પર બિરાજમાન રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્રદાસને પ્રશાસન તરફથી સુરક્ષા આપવામાં આવી છે. અયોધ્યા વિવાદના ચુકાદાની શકયતાને ધ્યાનમાં રાખીને મુખ્ય પૂજારી સતેન્દ્રદાસને ગનરની સુવિધા આપવામાં આવી છે. સંભવિત ચુકાદા બાતે ૧૦ ડીસેમ્બર સુધી જીલ્લામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઇ છે.

દિપોત્સવી, ચેહલ્લુમ અને કાર્તિક મેળા બાબતે ર મહીના સુધી અયોધ્યા જીલ્લામાં ૧૪૪મી કલમ લાગુ રહેશે. જીલ્લા કલેકટર અનુજકુમાર ઝા એ આના ઓર્ડર આપી દીધા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ૩૭માં દિવસની સુનાવણીમાં મુસ્લિમ પક્ષકારો તરફથી રાજીવ ધવને કહ્યું હતું કે તે ઇન્ટરવીનર, મઠ, લીમીટેશન પર દલીલો કરશે. તેમણે કહ્યું હતું કે, ન્યાયિક વ્યકિતનો મુદે ઉઠાવીને હિન્દુ મુખ્ય બાબતને ભટકાવી રહ્યા છે.

જસ્ટીસ બોબડ એ રાજીવ ધવનને સવાલ કર્યો હતો કે શું ફકત અલ્લા જ પવિત્ર અને દિવ્ય છે, શું ફકત તેમની જ ઇબાદત થાય છે બીજા કોઇની નહીં? મસ્જીદની પોતાની દિવ્યતા બાબતે કોઇ ઇસ્લામીક વિદ્વાને કંઇ કહ્યું છે?

રાજીવ ધવને જવાબ આપ્યો હતો કે એક મસ્જીદ હંમેશા પવિત્ર અને દિવ્ય હોય છે, તે એવી જગ્યા છે જયાં કોઇ પોતાના ખુદાની ઇબાદત કરે છે અને પાંચ વખત નમાજ પઢવામાં આવે છે. જે જગ્યાએ ખુદાની ઇબાદત થતી હોય તે પવિત્ર જ હોય. ધવને કહ્યું હતું કે હિંદુઓએ અમારી મસ્જીદને પાડી નાખી હતી અને તેઓ એમ કહે છે કે તેમને. પ્રતાડિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વકફને અંગ્રેજોએ પણ મંજૂરી આપી હતી.

આ ઉપરાંત રાજીવ ધવને કેટલીક મહત્વપૂર્ણ દલીલો કરી હતી જેમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય ગુંબજ નીચે જ રામનો જન્મ થયો હોવાના કોઇ પુરાવાઓ નથી અપાયા. ખાલી શ્રધ્ધાળુઓ દ્વારા ત્યાં ફુલ-પ્રસાદ ચઢાવવાથી દાવો સાબિત ન થઇ શકે.

(3:19 pm IST)