Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

૫૧૦૦ દિવાની આરતીની માંગણી ફગાવી દેવાઈ

અયોધ્યામાં વિવાદીત સ્થળ ઉપર દીપદાન કે નમાજ પઢ્યા વગર જ દીપોત્સવની ઉજવણી થશે : કલેકટરના હુકમથી નારાજ થઈ સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંકશે વિશ્વ હિન્દુ પરિષદ : ત્રેતા યુગની અયોધ્યાને ફરી જીવંત કરાશે : ૨૪ થી ૨૬ ઓકટોબર સુધી ત્રણ દિવસના અતિ ભવ્ય કાર્યક્રમો માટે યોગી આદિત્યનાથ જાતે આયોજનમાં ભાગ લઈ રહ્યા છે : દુનિયાભરથી મહેમાનો આવશે : દર્શનાર્થીઓ અને દિપોત્સવ મહોત્સવ ઉપર ૧૪૪મી કલમની કોઈ અસર નહિં પડે : રામજન્મ ભૂમિ વિવાદ કેસનો ચુકાદો દિવાળી પછી તુરત આવે તેવી સંભાવના

અયોધ્યા તા. ૧૫ : અયોધ્યાના વિવાદીત સ્થળે ન તો દીપદાન થશે કે ન તો નમાજ પઢવામાં આવશે. છતાય દીપોત્સવનો તહેવાર ઉમંગભેર ઉજવાશે.

આ માટે તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. તા. ૨૪ થી ૨૬ ઓકટોબર દરમિયાન શ્રેણીબધ્ધ કાર્યક્રમો આયોજીત થયા છે.

યોગી સરકારે દીપોત્સવને ભવ્ય બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રામનગરીમાં ત્રેતા યુગ સુધીના દર્શન કરાવવા તૈયારીઓ આદરી છે.

એટલુ જ નહીં આ ત્રણ દિવસીય ઉત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય ચિત્રકળા શિબિર યોજવામાં આવી છે. જેમાં થાઇલેન્ડના પ, ઇન્ડોનેશીયાના ર, શ્રીલંકાના ર, ભારતના ૧૦ રચનાકારો દ્વારા કલા પ્રદર્શીત કરાશે.

આ ત્રણ દિવસીય ઉત્સવને માણવા દુનિયાભરના લોકો અયોધ્યામાં ઉમટી પડશે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જો કે દીપદાનને મંજુરી નહીં મળતા વિશ્વ હિન્દુ પરીષદ નારાજ છે. પણ સામે નમાજ પઢવા પર પણ પાબંદી લાદવામાં આવી હોય એકંદરે સુલેહ શાંતિભેર અહીં દીપોત્સવ ઉજવવામાં આવે તેવો પ્રબંધ જિલ્લા પ્રશાસને કર્યો છે.

રામલલ્લાના ગર્ભગૃહમાં ૫૧૦૦ દીપદાન કરવા માટે વિહીપે મંજુરી માંગી હતી. પરંતુ વિવાદીત પરીસરના રીસીવર કમિશ્નર મનોજ મિશ્રએ જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અહીં કોઇ પણ ગૈર પરંપરાગત કાર્યક્રમોને અનુમતિ ન નથી. જો દીપદાનનો કાર્યક્રમ થાય તો પરીસરમાં નમાજ પઢવા માટેની પણ મંજુરી આપવા મુસ્લિમ પક્ષકારોએ માંગણી મુકી હતી.

આથી નિર્ણય એવો લેવાયો કે ન તો દીપદાન કરાય કે ન નમાજ પઢવામાં આવે. આમ શાંતિભેર અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવે તેવો પ્રબંધ પ્રશાસને કર્યો છે. જેને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટમાં રોજે રોજ સુનાવણી ચાલી રહી છે. તા. ૧૭ ઓકટોબરના ચર્ચા પૂર્ણ થશે. એક મહીના પછી ચુકાદો આવવાની સંભાવના જોવાઇ રહી છે.

આથી પ્રશાસન ફુંકી ફુંકીને ચાલી રહી છે. ખુબ સાવધાની રાખીને આ દીપોત્સવનું આયોજન કરાયુ છે.

જો કે દીપદાનની મંજુરી નહીં મળવાથી વિહીપ ખુબ નારાજ છે. સોમવારે વિહીપે મણીરામદાસ છાવણીના ઉતરાધીકારી મહંત કમલનયનદાસ, સંત સમિતિના અધ્યક્ષ મહંત કન્હૈયા દાસ, વિહીપ કે પ્રવકતા શરદ શર્મા, પાર્ષદ રમેશ દાસ સહીત સંતોના પ્રતિનિધિ મંડળે કમિશ્નરશ્રી સમક્ષ રજુઆત કરી હતી. તેમણે દીપાવલી નિમિતે ૨૭ ઓકટોબરે દીપદાન માટે મંજુરી માંગી હતી. પરંતુ કમિશ્નરશ્રીએ સુપ્રિમ કોર્ટનો હવાલો દઇને અનુમતી આપી નહોતી. (૩૭.૭)

૧૪૪ મી કલમ લાગુ કરી દેવાઇ

અયોધ્યા : વિવાદીત સ્થળની અંતિમ ચરણની સુનાવણી પહેલા સમગ્ર જિલ્લામાં ૧૪૪ મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. જિલ્લા અધિકારી અનુજ ઝા ના જણાવ્યા મુજબ અયોધ્યામાં આવતા દર્શનાર્થીઓ અને દીવાળી મહોત્સવમાં કોઇ ખલેલ ન પહોંચે તેવા હેતુથી ૧૪૪ મી કલમ લગાવવામાં આવી છે. સંભવિત ચુકાદાને ધ્યાને લઇ ૧૦ ડીસેમ્બર સુધી આ કલમ લાગુ રહેશે. સમગ્ર જિલ્લા પ્રશાસનને એલર્ટ રાખવામાં આવ્યુ છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ખુબજ કડક બનાવી દેવામાં આવી છે. ૧૮ ઓકટોબરથી અહીં સુરક્ષા દળની ટુકડીઓ આવવાની શરૂ થઇ જશે. (૧૬.૨)

દીપદાનની મંજુરી અપાય તો નમાજ ને પણ મંજુરી મળવી જોઇએ : મુસ્લિમ પક્ષકારો

અયોધ્યા : મર્યાદાપુરૂષોતમ શ્રીરામની નગરીમાં વિવાદ વધી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદે દીપદાન માટે મંજુરી માંગતા મુસ્લિમ પક્ષકારોએ પણ જો દીપદાન થાય તો નમાજ પઢવા દેવાની માંગણી ઉઠાવી હતી. જો કે કોર્ટના આદેશોને ધ્યાને લઇને આવી કોઇ મંજુરી અપાઇ નથી. અહીં ન તો દીપદાન થશે કે ન તો નમાજ પઢાશે. શાંતિ ભર્યા વાતાવરણમાં બસ દીપાત્સવની ઉજવણી થાય તે પ્રકારનું ચુસ્ત આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.

(12:06 pm IST)