Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અંબાણી-અદાણીના લાઉડસ્પીકર છે મોદી, છ મહિના બાદ જોજો શું થાય છેઃ રાહુલ ગાંધી

પહેલા નોટબંધીએ દેશમાં બધાને લાઈનમાં લગાવી દીધા હતા. શું તમે તે લાઈનમાં અનિલ અંબાણી કે અદાણીને જોયા હતા?

ચંદીગઢ, તા.૧પઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહીંના નૂંહ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાની સભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર છે અને દિવસભર તેમની જ વાતો કરતા રહે છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં જે બેરોજગારી છે અને અર્થવ્યવસ્થાની જે હાલત છે, તમે જોતો છ મહિના બાદ અહીં શું થશે. યુવાનોને વધારે મૂર્ખ બનાવીને સરકાર ચાલી શકે નહીં. એક દિવસ સત્ય બહાર આવશે અને પછી જોજો દેશમાં શું થાય છે અને નરેન્દ્ર મોદીનું પણ શું થાય છે.

તેમણે કહ્યું હતું કે આ દેશમાં અલગ-અલગ જાતિ અને ધર્મના લોકો રહે છે અને આ બધાને આપણે હિંદુસ્તાન કહીએ છીએ. કોંગ્રેસ બધાની પાર્ટી છે અને અમારું કામ લોકોને જોડવાનું છે. ભાજપ અને આરએસએસનું કામ જે પહેલા અંગ્રેજો કરતા હતા તેવું જ દેશ તોડવાનું કામ અને એકબીજાને લડાવાનું કામ છે.

નોટબંધી અને જીએસટી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પહેલા નોટબંધીએ દેશમાં બધાને લાઈનમાં લગાવી દીધા હતા. શું તમે તે લાઈનમાં અનિલ અંબાણી કે અદાણીને જોયા હતા? નોટબંધીમાં કોઈ પણ બ્લેકમની વાળો વ્યકિત લાઈનમાં ન હતો. ત્યારબાદ ગબ્બરસિંઘ ટેકસ આવ્યો. અહીં કોઈ છે જે કહી શકે કે જીએસટીથી શું ફાયદો થયો. નાના દુકાનદારો, મધ્યમ કદના ઉદ્યોગો ખતમ થઈ ગયા કેમ કે મોદી તેમનો બિઝનેસ તેમના ૧૫-૨૦ મિત્રોને આપવા ઈચ્છે છે. નરેન્દ્રભાઇ મોદીજી આવા જ ૧૫ લોકો માટે કામ કરી રહ્યા છે.

(11:41 am IST)