Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કેરળ નન રેપ કેસમાં બિશપ ફ્રેન્કોને શરતી જામીન મળ્યા

બિશપ ફ્રેન્કો કેરળમાં પ્રવેશ કરી શકશે નહીં :પાસપોર્ટ જમા કરવા માટે વિવાદાસ્પદ આરોપી બિશપ ફ્રેન્કોને આદેશ કરાયો : સાક્ષીઓની સુરક્ષા વધારી દેવાઈ

થિરુવંતનપુરમ, તા. ૧૫ : કેરળ હાઈકોર્ટે નનની સાથે રેપના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલને આજે શરતી રીતે જામીન આપી દીધા હતા. કોર્ટે જામીન મંજુર કરતી વેળા કેટલી શરતો લાગૂ કરી હતી. આ શરતો હેઠળ આરોપી બિશપ હવે કેરળમાં પ્રવેશ કરી શકશે નહીં. સાથે સાથે તેમનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. કેરળ નન કેસને લઇને બિશપ ફ્રેન્કો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પહેલા ૨૧મી સપ્ટેમ્બરના દિવસે બિશપની ધરપકડ કરવામાં આવી હતી. બિશપના જામીન ત્રીજી ઓક્ટોબરના દિવસે ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બિશપે હાઈકોર્ટ સમક્ષ નવી અરજી દાખલ કરી હતી જેમાં દલીલ આપવામાં આવી હતી કે, જુની અરજીના સમયે જે વિરોધ અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા તે હવે રહ્યા નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બિશપ ફ્રેન્કો જ્યારે જલંધર ડાઇસીસના બિશપ નથી જેથી સાક્ષીઓને પ્રભાવિત કરવાને લઇને ચિંતા નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સાક્ષીઓને ૨૪ કલાકની સુરક્ષા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બિશપના ખરાબ થઇ રહેલા આરોગ્યની પણ નોંધ લેવામાં આવી રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આને પુરાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, પીડિત નને આક્ષેપ કર્યો હતો કે, બિશપે ૨૦૧૪ અને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં અનેક વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો. મામલો ગંભીર બન્યા બાદ બિશપે પોતાના બચાવમાં અનેક પ્રતિક્રિયાઓ આપી હતી. તેઓએ અહીં સુધી કહ્યું હતું કે, બદલા લેવાની ભાવના સાથે ફરિયાદો કરવામાં આવી છે. બિશપે નનની સામે તપાસની મંજુરી પણ માંગી હતી. કેરળ નન કેસમાં હાલપુરતી રાહત બિશપને મળી છે પરંતુ કેરળમાં તેમની એન્ટ્રી ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. આગામી દિવસોમાં આરોપી બિશપ ફ્રેન્કોને વધુ તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

(8:08 pm IST)