Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નોટબંધી વખતે બેંક ખાતા છલકાવી દેનારાને બેનામી એકટ હેઠળ નોટીસો

પ્રથમ ચરણમાં ૧૦,૦૦૦ લોકોને નોટીસો : આવતા દિવસોમાં વધુ નોટીસો અપાશે : નાણાના સ્ત્રોતની મંગાતી વિગતોઃ ટેક્ષ વિભાગ ફોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ, પાન વિગત, ટેક્ષ સ્ટ્રકચર ઉપરાંત સોશ્યલ મિડીયા પ્લેટફોર્મથી મેળવેલી વિગતો પણ તપાસે છે

મુંબઇ તા. ૧૫ : નોટબંધીને બે વર્ષ પુરા થયા પછી આવકવેરા વિભાગે હવે તે સમય દરમિયાન અનએકાઉન્ટેડ કેશ જમા કરાવનારના દરવાજા ખખડાવવાનું શરૂ કર્યું છે. રેવન્યુ વિભાગે આવા લોકોને બેનામી એકટ હેઠળ નોટીસ મોકલવાનું શરૂ કર્યું છે અને જમા કરાવેલ રોકડ કયાંથી આવી તે જણાવવાનું કહ્યું છે. માહિતગાર લોકોનું કહેવું છે કે, પહેલા ચરણમાં લગભગ ૧૦૦૦૦ લોકોને નોટીસ મોકલાઇ છે અને આવનાર દિવસોમાં બીજાઓને પણ નોટીસ મોકલાશે.

નવેમ્બર ૧૬માં કરાયેલ નોટબંધીમાં ચલણમાંથી બહાર કઢાયેલ મોટાભાગની નોટો બેંકોમાં પાછી આવી ચૂકી છે. એક સીનીયર અધિકારીએ કહ્યું, 'પૈસા બેંકીંગ સીસ્ટમમાં પાછા તો આવ્યા છે પણ તે કોઇને કોઇ નામ સાથે જોડાયેલા છે. ઇન્કમ ટેક્ષ વિભાગ જ નહી પણ બીજા સરકારી વિભાગો પણ આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં તપાસ માટે કરી શકે છે.'

જાણકારોનું કહેવું છે કે, બેનામી એકટ બહુ સખત કાયદો છે અને આ નોટીસોને લીધે કેટલાયને જેલ પણ થઇ શકે છે. અશોક માહેશ્વરી એન્ડ એસોસીયેટ્સના ભાગીદાર અમિત માહેશ્વરીએ કહ્યું 'આવકવેરા વિભાગને જે રોકડ ડીપોઝીટ ઉપર શંકા હતી તેમને હવે નોટીસો મોકલાઇ છે. અત્યારે તો ફોકસ મોટા ટ્રાન્ઝેકશનો પર કરાયું છે, પણ આ નોટીસોનો અર્થ એ છે કે ટેક્ષચોરી કરનારાઓ પર મુશ્કેલી આવી શકે છે.'

સૂત્રોએ જણાવ્યું કે, આવકવેરા વિભાગ બિગ ડેટા એનાલીટીકસનો ઉપયોગ કરી રહ્યું છે. વિભાગ ફોન રેકોર્ડ, ક્રેડીટ કાર્ડ, પાન ડીટેઇલ વગેરે ઉપરાંત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મળેલ માહિતી પણ તપાસે છે. ઇન્કમટેક્ષ સલાહકાર પારસ સાવલાએ કહ્યું, બેનામી નોટીસ અત્યારે તો પ્રાથમિક સ્તરની જ છે. તે એવા લોકોને મોકલાઇ છે. જેમણે અનએકાઉન્ટેડ રોકડ જમા કરાવી હતી અથવા જેમની રોકડ ડીપોઝીટ તેમની આવક અનુસાર નહોતી. કેટલાય બનાવો એવા હતા જેમાં લોકોએ એવા ખાતામાં રકમ જમા કરાવી જે તેમના નહોતા. આ નોટીસ મોકલવાનો મતલબ એ છે કે, બેંક ખાતા ધારક અને પૈસા જમા કરાવનાર બંનેએ બેનામી એકટ હેઠળ તપાસનો સામનો કરવો પડશે.'

આ પહેલા આવકવેરા વિભાગે કહેવાતા ટેક્ષચોરોને નોટીસ મોકલી હતી અને તેમની સંપત્તિ પર દરોડા પાડયા હતા. કેટલાક મામલામાં બેનામી સંપત્તિ રાખનારાઓને નોટીસો પણ મોકલાઇ હતી. જેઓ કેટલાક પૈસાદાર લોકોના ડ્રાઇવર અથવા સગા હતા. એવું બની શકે કે આવા અમીરોએ પોતાનો આવકવેરો બચાવવા માટે તેમના નામે મિલકત ખરીદી હોય.(૨૧.૮)

 

(11:55 am IST)