Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

લખનૌમાં રૂપાણી સામે કાળા વાવટા : ફરકાવાયાઃ નારેબાજીઃ વિરોધ પ્રદર્શન

ગુજરાતની ઘટનાના પડઘાઃ યુવક કોંગ્રેસ દ્વારા દેખાવો

લખનૌ, તા. ૧૫ :. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસીઓને કાઢી મુકવાના વિરોધમાં કાળા વાવટા દેખાડયા હતા.

જ્યારે વિજય રૂપાણીનો કાફલો વીઆઈપી ગેસ્ટ હાઉસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે તેમને રોકી લીધા હતા.

ગુજરાતના મુખ્ય પ્રધાન સાંજે એરપોર્ટથી પાંચ કાલીદાસ માર્ગ પર આવેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસ સ્થાને જઈ રહ્યા હતા. આ દરમ્યાન લાલબત્તી ચાર રસ્તા નજીક કોંગ્રેસ કાર્યકર્તાઓ રોડ પર આવી ગયા અને નારાબાજી કરતા કરતા કાળા વાવટાઓ દેખાડયા હતા. જણાવી દઈએ કે ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ કર્યાકર્તાઓએ આ દેખાવો કર્યા હતા.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મીડીયા પ્રભારી રાજીવ બક્ષીએ જણાવ્યુ કે યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના પ્રવાસે આવેલા વિજય રૂપાણીને કાળા વાવટાઓ દેખાડીને તેમની સામે નારાબાજી કરી હતી. તેમણે જણાવ્યુ કે પોલીસે લગભગ ૧૫૦ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જેમને પછી છોડી મુકાયા હતા.

રૂપાણી ૩૧ ઓકટોબરે ગુજરાતમાં નર્મદા કિનારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા લખનૌ પહોંચ્યા હતા.

માહિતી અનુસાર બન્ને મુખ્ય પ્રધાનો વચ્ચે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા શ્રેષ્ઠ ભારત કોમ્પલેક્ષ પાસે યુપી ભવન માટે જમીન સંપાદન અંગે વાતચીત થઈ હતી.

(11:52 am IST)