Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વૈષ્ણોદેવીના દર્શને જનારાઓ રૂ. પાંચ લાખનો મફત અકસ્માત વીમો

શ્રીનગર તા. ૧૫ : શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડે મંદિરની મુલાકાત લેનાર શ્રદ્ઘાળુઓ માટે પાંચ લાખ રૂપિયાનો મફત અકસ્માત વીમો તથા નજીકના વિસ્તારના ઘાયલ લોકો માટે મફતમાં સારવારનો નિર્ણય મંજૂર કર્યો હતો.

રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકની ચેરમેનશીપ હેઠળ શનિવારે બોર્ડની ૬૩મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત સરકારી પ્રવકતાએ કરી હતી. એણે જણાવ્યું હતું કે બોર્ડે યાત્રાળુઓ માટેનું ગ્રુપ એકિસડેન્ટ ઇન્સ્યુરન્સ કવર હાલના ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

આ સિવાય ભવનથી ભૈરો ઘાટી સુધી રોપવેની સેવા લેનાર યાત્રાળુઓ માટે વધારાના પાંચ લાખ રૂપિયાનું વીમા કવર પણ મંજૂર કરવામાં આવ્યું હતું. યાત્રા સ્લિપ મેળવીને યાત્રા શરૂ કરનાર માટે આ વીમો પાંચ લાખ રૂપિયાવાળા અકસ્માત વીમા ઉપરાંતનો રહેશે. વીમા માટેનું પ્રિમિયમ બોર્ડ દ્વારા ભરવામાં આવશે અને યાત્રાળુઓ માટે એ મફત હશે.  યાત્રાળુઓ માટેના વીમાની રકમ આઠ વર્ષના ગાળા બાદ વધારવામાં આવી છે.(૨૧.૫)

(9:54 am IST)