Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

સાસુ કે સસરાની પૈતૃક કે પોતે અર્જિત કરેલી સ્થાવર કે જંગમ સંપત્તિમાં પુત્રની વહુનો કોઇ અધિકાર નથી

નવી દિલ્હી તા. ૧૫ : દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું છે કે સાસુ કે સસરાની પૈતૃક કે પોતે અર્જિત કરેલી સ્થાવર કે જંગમ સંપત્તિમાં પુત્રની વહુનો કોઈ અધિકાર નથી. એક જિલ્લાઅધિકારી દ્વારા વહુને સસરાનું ઘર ખાલી કરી દેવા આપેલા આદેશ વિરુદ્ઘ તે મહિલાએ કરેલી અપીલના ચુકાદામાં હાઇકોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો હતો.

આ પહેલાં આ જ વર્ષે જુલાઈ મહિનામાં સિંગલ ન્યાયર્મિૂતની બેન્ચે પણ આ કેસની સુનાવણી કરતાં જિલ્લાઅધિકારીના આદેશને કાયમ રાખ્યો હતો. સિંગલ બેન્ચના આદેશ વિરુદ્ઘ વહુ ડબલ બેન્ચ સમક્ષ ગઈ હતી. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે હવે સાસુ-સસરાની તરફેણમાં જ ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને વી. કામેશ્વરરાવની બનેલી પીઠે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે સાસુ-સસરાનું હિત સંકળાયેલું હોય તેવી કોઈ પણ સ્થાવર કે જંગમ, મૂર્ત કે અમૂર્ત સંપત્તિ પર પુત્રની વહુનો કોઈ અધિકાર નથી. સાસુ-સસરા તે સંપત્ત્િ। પર કઈ રીતે માલિકીહક ધરાવે છે તે બાબત પણ મહત્ત્વની નથી.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્ણાણ માટે બનેલા નિયમોને ધ્યાને રાખતાં વરિષ્ઠ નાગરિકોને પોતાનાં ઘરમાં શાંતિથી રહેવાનો અધિકાર છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે સાસુ-સસરા પોતાના પુત્ર કે પુત્રી કે પછી પોતાના કાનૂની વારસ જ નહીં પણ વહુ પાસેનું મકાન ખાલી કરાવવાનો અધિકાર ધરાવે છે.

મહિલા(વહુ)એ એક તબક્કે એવી દલીલ કરી હતી કે તેણે સસરા પાસેથી ગુજારાભથ્થુ ના માગ્યું હોવાથી સસરા તેની પાસેથી ઘર ખાલી ના કરાવી શકે. હાઇકોર્ટે મહિલાની આ દલીલને ફગાવી દીધી હતી. મહિલાની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે સાસુ-સસરા તેમના પુત્ર પુત્રી કે કાનૂની વારસ પાસેથી જ ઘર ખાલી કરાવી શકે છે.

હકીકતે કેસ દાખલ કરનારી મહિલા પોતાના પતિ અને સાસુ-સસરા સામે દહેજ સહિતના આક્ષેપ સાથે કેસ કરી ચૂકી છે. અદાલતમાં આ કેસ પડતર છે. પતિ સામે છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે સસરાએ જિલ્લાધિકારી સમક્ષ અરજી કરીને આરોપ લગાવ્યા કે તેમની વહુ તેમને વિતાડી રહી છે. સસરાએ એવી માગણી પણ કરી કે તેમની વહુ પાસેથી મકાન ખાલી કરાવવામાં આવે.(૨૧.૬)

(10:27 am IST)