Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શરાબના શોખીનો આનંદો! મહારાષ્ટ્રમાં શરાબ બોટલની હોમ ડિલિવરી શરૂ થશે

આવી નીતિ શરૂ કરનાર મહારાષ્ટ્ર દેશમાં સર્વપ્રથમ રાજ્ય બનશે

નાગપુર તા. ૧૫ : શરાબના શોખીનો માટે માન્યામાં ન આવે તેવા આનંદના સમાચાર છે. મહારાષ્ટ્ર સરકાર હવે એક એવી નીતિ દાખલ કરવા જઇ રહી છે કે જેનાથી તેમને હવે શરાબની હોમ ડિલિવરી પણ મળી જશે અને તેમને શરાબની દુકાનો પર જવાની ઝંઝટમાંથી મુકિત મળી જશે. આમ આવી નીતિ શરૂ કરનાર મહારાષ્ટ્ર દેશમાં સર્વપ્રથમ રાજય બનવા જઇ રહ્યું છે. 

જોકે, આની પાછળનો મુખ્ય હેતુ શરાબ પીને ડ્રાઇવિંગના વધી રહેલા કેસો ઘટાડવાનો છે કેમ કે તેના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે અને મોતની સંખ્યા વધી રહી છે.

 રાજય કક્ષાના આબકારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે આ પગલું શરાબ ઊદ્યોગ માટે એક ગેમ ચેન્જર પૂરવાર થશે. નેશનલ અને ઇન્ટરનેશનલ ઇ-કોમર્સ વેબસાઇટ્સ જેવા પ્લેટફોર્મ્સ થકી શરાબની ડિલિવરી કરાશે. નાગરિકોને જેમ કરિયાણું અને શાકભાજીની હોમ ડિલિવરી થાય છે તેમ શરાબ પણ તેમને મળી રહેશે. 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)એ જણાવ્યું છે કે ૨૦૧૫માં ૪.૬૪ લાખ માર્ગ અકસ્માતોમાં આશરે ૧.૫ ટકા ઘટનાઓ શરાબ પીને અથવા ડ્રગ લઇને ડ્રાઇવિંગ કરવાથી થઇ છે. જેમાં ૬,૩૦૦ જેટલા લોકોને ઇજા પહોંચી છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે આને કારણે એક દિવસમાં આઠથી વધુ લેખે કુલ ૩,૦૦૦ જેટલા મોત પણ થયા છે.

જોકે યોગ્ય વયના લોકોને જ શરાબ ઓનલાઇન મળે તેની ખાતરી માટે શરાબના વિક્રેતાઓને ગ્રાહકોની સંપૂર્ણ વિગતો લેવાની સૂચના અપાશે. જેમાં તેના આધાર નંબર લેવાના રહેશે. જેથી તેમની ઓળખની ચકાસણી થઇ શકે તેમ બાવનકુલેએ ઉમેર્યું હતું. શરાબની બોટલોના ઉત્પાદન અને વેચાણનો ટ્રેક રાખવા માટે તે જીઓ-ટેગ ધરાવતી હશે. બોટલના કેપ ઉપર ટેગિંગ કરાશે. આને કારણે લોકો પાસે નકલી શરાબ નહિ જાય અને શરાબની સ્મગલિંગ પણ અટકશે તેમ બાવનકુલેએ કહ્યું હતું.

(9:53 am IST)