Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સોનુ સૂદના ઘરે આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું

એકાઉન્ટ બુકમાં ગરબડનો આરોપ : દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો હતો

મુંબઈ,તા.૧૫ : બોલીવુડ એક્ટર સોનુ સૂદ કોરોના કાળમાં ગરીબોની મદદ કરી ઘણી નામના કમાઈ ચૂક્યો છે. આ દરમિયાન હવે મંગળવારે સોનુ સૂદની મુંબઈમાં આવેલા ઘરે ઈનકમ ટેક્સ વિભાગે સર્ચ હાથ ધર્યું છે. આજે અચાનક સોનુ સૂદની ઓફિસમાં એ સમયે હડકંપ મચી ગયો, જ્યારે આવકવેરા વિભાગના અધિકારી તપાસ કરવા લાગ્યા. જાણવા મળ્યા મુજબ, અકાઉન્ટ બુકમાં ગરબડના આરોપો પછી આઈટીની ટીમોએ સોનુ સૂદ અને તેની કંપનીઓ સાથે સંલગ્ન ૬ સ્થળોએ સર્વે કર્યો છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ થઈ હતી. જેના પર સોનુ સૂદે કહ્યું હતું કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેની કોઈ રાજકીય વાતચીત નથી થઈ. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સૌથી પહેલું બીડું ઉઠાવ્યું હતું.

        તે પછી સતત દેશભરના લોકોની મદદ કરતો રહ્યો છે. ઘણા રાજ્યોની સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે, જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે ઉપરાંત સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. દેશમાં ૧૬ શહેરોમાં ઓક્સીજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે. કોરોના દરમિયાન કરાયેલા સોનુના માનવીય કામો માટે ફેન્સ તેને દેવદૂત કહે છે. સપ્ટેમ્બર ૨૦૦૨માં સુદને કોરોના મહામારી દરમિયાન તેના માનવીય કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે ૨૦૨૦ એસડીજી સ્પેશયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ તે દેશના દરેક લોકો માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે. સોનુ હિંદી, તેલુગુ, ક્ન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તે એક પીરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે.

(7:27 pm IST)