Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ઝંપલાવશેઃ રાયબરેલી અથવા અમેઠી બેઠક ઉપરથી મેદાનમાં ઉતરે તેવી શક્યતાઃ ગાંધી પરિવારના પ્રથમ સભ્ય વિધાનસભાની ચૂંટણી લડશે

તેમના ચૂંટણી મેદાનમાં આવવાથી કોંગ્રેસને યુપીમાં નવી તાકાત મળશેઃ ઍડવાઇઝર કમિટીનો દાવો

નવી દિલ્હી: આવતા વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અથવા અમેઠીની કોઇ બેઠક પરથી મેદાનમાં ઉતરી શકે છે. જો આવુ થયુ તો પ્રિયંકા ગાંધી પરિવારના પ્રથમ સભ્ય હશે જે વિધાનસભા ચૂંટણી લડશે. આ પહેલા ગાંધી પરિવારના તમામ સભ્યોએ માત્ર લોકસભા ચૂંટણી લડી છે.

સૂત્રોનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદ અમેઠી છે કારણ કે ત્યા રાહુલ ગાંધીની હારનો બદલો લેવા માટે અમેઠીમાં લોકસભા ચૂંટણીની જમીન તૈયાર કરશે જેનાથી સ્મૃતિ ઇરાનીને 2024ની લોકસભા ચૂંટણીમાં પડકાર આપી શકાય.

પ્રશાંત કિશોરે પણ પ્રિયંકા ગાંધીને સૂચન કર્યુ

લખનઉંમાં યોજાયેલી મીટિંગમાં એડવાઇઝરી કમિટીએ પણ પ્રિયંકા ગાંધીને કહ્યુ હતુ કે તેમના ચૂંટણી મેદાનમાં આવતા કોંગ્રેસને UPમાં નવી તાકાત મળશે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ પ્રિયંકા ગાંધીને સૂચન આપ્યુ હતુ કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં ખુદ મેદાનમાં ઉતરવુ જોઇએ.

પ્રિયંકા ગાંધીની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી

પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવા અથવા ના લડવાને લઇને ખુદ કોઇ સંકેત આપ્યા નથી પરંતુ સુત્રોનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધીની ઓફિસ તરફથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેની માટે રાયબરેલી અને અમેઠીનો ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે.

રાયબરેલી અથવા અમેઠી જ કેમ?

રાજકીય જાણકારોનું કહેવુ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાહુલ ગાંધીના ચૂંટણી હારી ગયા બાદ ત્યા ગાંધી પરિવારનો દબદબો ઓછો થયો છે. બીજી તરફ કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય બરાબર ના હોવાને કારણે રાયબરેલીમાં પણ ગાંધી પરિવારનો જનતા સાથે સંપર્ક ઓછો થયો છે.

એવામાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવાથી અમેઠી અથવા રાયબરેલીની જનતા સાથે કોંગ્રેસના સબંધ મજબૂત બની શકે છે. રાયબરેલી અને અમેઠી વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને પ્રિયંકા ગાંધી આ સબંધને નબળો બનાવવા દેવા માંગતા નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ તો ઔપચારિક રીતે કહી ચુક્યા છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો હશે.

રાયબરેલીમાં અત્યાર સુધી માત્ર 3 વખત કોંગ્રેસ હારી છે

રાયબરેલીમાં 1952થી લઇને 2019 સુધી લોકસભા ચૂંટણીમાં માત્ર ત્રણ વખત કોંગ્રેસ હારી છે. 1977, 1988 અને 1996માં આ બેઠક પર કોંગ્રેસને હાર મળી હતી. આ બેઠક પરથી ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધી, શીલા કૌલ, અરૂણ નેહરૂ અને સતીશ શર્મા ચૂંટણી જીતીને લોકસભા પહોચ્યા હતા.

અમેઠીમાં 18 ચૂંટણીમાં 16 વખત કોંગ્રેસની જીત

અમેઠીમાં 17 લોકસભા અને 2 પેટા ચૂંટણીમાં કોંગ્રેસે 16 વખત જીત મેળવી છે. માત્ર ત્રણ વખત 1977, 1998 અને 2019માં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. 1977માં ઇમરજન્સી બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ હારી હતી. તે બાદ 1980માં સંજય ગાંધી અહીથી સાંસદ બન્યા હતા. સંજય ગાંધીના મોત બાદ રાજીવ ગાંધીએ અમેઠીની કમાન સંભાળી હતી. પછી 1999માં સોનિયા ગાંધી ચૂંટણી જીત્યા હતા. તે બાદ 2004,2009 અને 2014માં રાહુલ ગાંધી અહીથી જીત્યા પરંતુ 2019માં સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

(4:11 pm IST)