Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

બ્રિટનની સંસદમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધઃ ડ્રેગન ફફડયું

લંડન,તા.૧૫: બ્રિટને પોતાની સંસદમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટને આ કડક પગલું ચીનની કાર્યવાહી બાદ ઉઠાવ્યું છે. જેમાં ચીને કેટલાંક બ્રિટીશ સાંસદો પર એટલા માટે પ્રતિબંધ લગાવ્યો હતો કારણકે તેમણે ચીનના શિનજિયાંગ શહેરમાં થઈ રહેલા માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈ સવાલ ઉઠાવ્યાં હતા.

બ્રિટીશ સાંસદો, કેટલાંક બ્રિટીશ વકીલો અને બુદ્ધિજીવીઓએ શિનજિયાંગ શહેરમાં વીગર મુસ્લિમો પર થતાં ચીનના અત્યાચારોને લઇ સવાલ ઉઠાવ્યાં હતા અને ચીને એવા બ્રિટીશ નાગરિકોને ખોટા અને ભ્રમ ફેલાવનારા જણાવી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના જવાબમાં બ્રિટને પણ ચીનની સામે કડક કાર્યવાહી કરી છે અને ચીની રાજદૂતને બ્રિટનની સંસદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટનની હાઉસ ઓફ કોમન તથા હાઉસ ઓફ લોર્ડ્સમાં ચીનના રાજદૂતના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. લંડનમાં સ્થિત ચીનના દૂતાવાસે બ્રિટનની સંસદના આ પગલાંની નિંદા કરી છે. ચીનની એમ્બેસી તરફથી કહેવામાં આવ્યું છે કે બ્રિટનની સંસદ તરફથી ઉપાડવામાં આવેલા આ પગલાંથી બંને દેશોની વચ્ચે સંબંધો પ્રભાવિત થઈ શકે છે.વિશ્વભરના દેશોના આંતરિક મામલાઓનો ઉકેલ લાવીને ચીન સતત પોતાનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં રહે છે. પરંતુ જ્યારે અહીંના વીગર મુસ્લિમો પર થતાં અત્યાચારને લઇને જો કોઈ દેશ અવાજ ઉઠાવે છે તો ચીનને ખોટું લાગી જાય છે. મહત્વનું છે કે, બ્રિટનની એક સમાચાર એજન્સીએ જ્યારે વીગર મુસ્લિમોની સાથે થતાં અન્યાયની વાસ્તવિકતા આખી દુનિયા સમક્ષ મૂકી તો ચીને પોતાના દેશમાં આ ન્યૂઝ એજન્સીના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે જવાબમાં બ્રિટને પણ ચીનના સીસીટીવી પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

(3:29 pm IST)