Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

એપલે આઇફોન-૧૩, વોચ સીરીઝ-૭ અને 9th Gen iPed લોન્ચ કર્યા

નવી દિલ્હી, તા.૧૫: એપલે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં મંગળવારે આઇફોન-૧૩ને લૉન્ચ કરી દીધો છે. આ ઇવેન્ટમાં આઇફોન-૧૩ ઉપરાંત, એપલ વૉચ સીરીઝ ૭ને પણ લૉન્ચ કરવામાં આવી છે. લૉન્ચિંગના પહેલા જ ફોન વિશે અનેક જાણકારી સામે આવી ગઈ હતી.

આઇફોન-૧૩ નવા ફીચર્સ અને નવી ચિપની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આઇ-ફોન ૧૩ની સાથે આઇફોન-પ્રોને પણ લૉન્ચ કરી દીધો છે. આ ઉપરાંત આઇફોન-૧૩ મિનીને પણ લૉન્ચ કરવામાં આવ્યો છે.

આઇફોન-૧૩ મિનીની કિંમત ૬૯૯ ડૉલરથી શરૂ થશે. જ્યારે આઇફોન-૧૩ની કિંમત ૭૯૯ ડૉલરથી શરૂ થશે. આઇફોન-૧૩ પ્રોની કિંમત ૯૯૯ ડૉલરથી શરૂ થશે. આઇફોન-૧૩ પ્રો મેકસ ૧૦૯૯ ડૉલરથી શરૂ થશે. આઇફોનમાં નવું  પ્રોસેસર A15 Bionic આપવામાં આવ્યું છે.

એપલ ઇવેન્ટમાં એપલ વૉચ સીરીઝ-૭ને લૉન્ચ કરવામાં આવી છે. સીરીઝ-૭માં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તે અનેક કલર્સમાં ઉપલબ્ધ હશે. આ વખતે લૉન્ચ થયેલી વૉચમાં ફિટનેસને લઈને વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સીરીઝ-૭ વૉચ ૩૯૯ ડૉલરમાં ઉપલબ્ધ છે.એપલે એક નવું આઇપેડ પણ લૉન્ચ કર્યું છે. તેમાં A13 BIONIC પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે અગાઉના આઇપેડની તુલનામાં ઘણું ફાસ્ટ છે. એપલે નવા અઇપેડ મિની પણ લૉન્ચ કર્યું છે. નવા આઇપેડમાં 5G સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની સાથે કંપનીએ ન્યૂ જનરેશન એપલ પેન્સિલ વિશે પણ જાણકારી આપી છે.

iPhone ૧૩માં કંપની ૬.૧ ઇંચનો ડિસ્પ્લે ઓફર કરી રહી છે. બીજી તરફ, આઇફોન-૧૩ મિનીમાં ૫.૪ ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનની ડિસ્પ્લે OLED પેનલવાળી છે. ફોનની બોડી એલ્યુમિનિયમની છે, જે તેના લુકને ખૂબ ખાસ બનાવે છે. સ્માર્ટફોન્સને કંપનીએ 128 GB, 256 GB અને 512 GB વેરિયન્ટમાં લૉન્ચ કર્યા છે.

પ્રોસેસરની વાત કરીએ તો તેમાં એપલના લેટેસ્ટ A15 બાયોનિક ચિપસેટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે આઇફોન-૧૩માં કોઈ પણ સ્માર્ટફોનમાં મળનારું સૌથી તેજ CPU આપવામાં આવ્યું છે. આઇફોન-૧૩ અને આઇફોન-૧૩ મિનીમાં આપને આઇફોન-૧૩ની તુલનામાં થોડો સ્લિમ ફેસ આઇડી નોચ જોવા મળશે.

(3:28 pm IST)