Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

બિહારનો અનોખો કિસ્સો

પૈસા મોદીએ મોકલ્યા છેઃ નહિ આપુ પરતઃ ખાતામાં ભુલથી જમા રકમ પરત કરવા ઇન્કાર

પટણા, તા.૧૫: ઘણી વખત બેન્કની ભુલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્ફર થઇ જાય છે એના માટે લોકોએ આંટા મારવા પડે છે પરંતુ આ વખતે એવી ભૂલ બેન્ક પર જ ભારે પડતી જોવા મળી રહી છે. બિહારના એક વ્યકિતએ ભૂલથી ખાતામાં આવેલા પૈસા બેન્કને પાછા આપવાથી ઇન્કાર કરી દીધો છે. આ વ્યકિતએ તર્ક અજીબ આપ્યો છે, એમનું કહેવું છે કે આ પૈસા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમના ખાતામાં મોકલ્યા છે.

બિહારના ખગડિયા જિલ્લામાં એક વ્યકિતના ખાતામાં બેન્કની ભૂલથી ૫.૫ લાખ રૂપિયા આવી ગયા. એમણે એ દાવો કરતા રકમ પરત કરવાથી ઇનકાર કરી દીધો કે 'પૈસા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમના ખાતામાં મોકલ્યા છે.' ખગડિયામાં ગ્રામીણ બેન્કની ભૂલથી માનસી થાણા ક્ષેત્રના બખ્તિયારપુર ગામના મૂળ નિવાસી રંજીત દાસના ખાતામાં પૈસા મોકલ્યા અને ત્યાર પછી પરત કરવા નોટિસ આપી પરંતુ દાસે રકમ પરત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

રંજીત દાસે કહ્યું, 'જયારે હું આ વર્ષે માર્ચમાં પૈસા મળ્યા તો ખુબ ખુશ હતો. મેં વિચાર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક બેન્ક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આવ્યું હતું, જેનો પહેલો હપ્તો હોઈ શકે છે. મેં બધા પૈસા ખર્ચી નાખ્યા. હવે બેન્ક ખાતામાં પૈસા જ નથી.' માનસીના થાણા પ્રભારી દિપક કુમારે કહ્યું, 'બેન્ક મેનેજરની ફરિયાદ પર અમે રંજીતની ધરપકડ કરી લીધી છે, હવે તપાસ જારી છે.'

(11:37 am IST)