Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કોને તક મળશે, કોણ થશે નારાજ? કોંગ્રેસમાં રાજયસભાની બે બેઠકો માટે ઘણા દાવેદારો

રાજયસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છેઃમહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છેઃ બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે

નવી દિલ્હી,તા.૧૫: રાજયસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અવઢવમાં છે. પાર્ટી ઈચ્છીને પણ મહારાષ્ટ્ર અને તમિલનાડુની એક-એક સીટ પર ઉમેદવારોના નામ નકી કરી શકતી નથી, કારણ કે દાવેદારોની યાદી ખુબ લાંબી છે. એક તરફ જયાં પાર્ટીના નારાજ નેતા પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે. તો ઘણા યુવા નેતા પણ ઉપલા ગૃહમાં જવા માટે ઈચ્છુક છે.

રાજયસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છે. મહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છે. બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે. સૌથી વધુ દાવેદારી મહારાષ્ટ્રની સીટ માટે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક, મિલિંદ દેવડા અને સંજય નિરૂપમની સાથે અવિનાશ પાંડે તથા રજની પાટિલ પણ દાવેદારોમાં સામેલ છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સીટ વહેંચણીમાં ચર્ચા દરમિયાન ડીએમકેએ રાજયસભાની એક સીટ કોંગ્રેસને આપવાનું વચન આપ્યું હતું. ડીએમકેની સાથે ટિકિટ વહેચણીને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અંતિમ રૂપ આપ્યું હતું. ડીએમકે સાથે આઝાદના સંબંધ સારા રહ્યા છે અને તે ખુદ આ સીટ માટે દાવેદાર છે. તેવામાં તેમના નામ પર સહમતિ બની શકે છે. પરંતુ તેમની સાથે પ્રવીણ ચક્રવર્તી પણ રાજયસભા પહોંચવા ઈચ્છે છે.

મહારાષ્ટ્રમાં રાજીવ સાતવની સીટ પર તેમના પત્ની પ્રજ્ઞા સાતવે પણ દાવેદારી નોંધાવી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના અનેક નેતા પણ ઈચ્છા છે કે પ્રજ્ઞા સાતવને ઉમેદવાર બનાવવામાં આવે. તો મિલિંદ દેવડા કોંગ્રેસ નેતૃત્વને જૂનુ વચન યાદ અપાવી રહ્યું છે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, મિલિંદ ૨૦૧૯માં ચૂંટણી લડવા ઈચ્છતા નહતા, ત્યારે પાર્ટીએ તેમને કહ્યું હતું કે તે ચૂંટણી હારે છે તો રાજયસભા મોકલવામાં આવશે. તો યૂપી ચૂંટણીને જોતા પ્રમોદ તિવારી પણ મહારાષ્ટ્રથી રાજયસભાની આશા કરી રહ્યા છે.

તમિલનાડુથી ગુલામ નબી આઝાદની દાવેદારી સૌથી મજબૂત માનવામાં આવી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે, આઝાદ રાજયસભા પહોંચી જાય છે, તો અસંતુષ્ટ નેતાઓનો સમૂહ વિખેરાય જશે. તેનાથી ત્યાં જૂથવાદ ખતમ થશે તો પાર્ટી આઝાદના અનુભવનો લાભ લઈ શકશે. પરંતુ મુશ્કેલ એ છે કે આઝાદની સાથે આનંદ શર્મા પણ દાવેદાર છે.

(10:02 am IST)