Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ખાદ્યતેલોની આયાત ડ્યુટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી

ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવાને બદલે ઈન્ડોનેશિયા અને મલેશિયાના પામ તેલના વિક્રેતાઓને મળી રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૫: આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ પણ ખાદ્ય તેલોના છૂટક ભાવમાં વધારો ચાલુ રહ્યો છે, જે દર્શાવે છે કે ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવાને બદલે ઈન્ડોનેશિયા અને મલેશિયાના પામ તેલના વિક્રેતાઓને મળી રહ્યો છે. ડ્યૂટી ઘટાડવાને કારણે સરકાર ૨૦૨૨ના નાણાં વર્ષે રૂ. ૪૬૦૦ કરોડની આવક ગુમાવશે તેવો દાવો કરવામાં આવ્યો હોવા છતાં આ સ્થિતિ છે.

કૃષિ વેરા અને સમાજ કલ્યાણ વેરા સહિત ક્રૂડ (કાચું) પામ તેલ ઉપર લાગુ થતી ડ્યૂટી ૫.૫ ટકા ઘટાડીને ૩૦મી જૂનની અસરથી ૩૦.૫ ટકા કરવામાં આવી હતી અને તે ૧૦મી સપ્ટેમ્બર સુધી લાગુ હતી તેમજ ત્યારબાદ વધુ ઘટાડવામાં આવી હતી. જોકે, સમગ્ર દેશમાં પામ તેલનો સરેરાશ છૂટક ભાવ ૩૦મી જૂનથી ૧૦મી સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ ટકા વધીને રૂ. ૧૩૩.૭૭ પ્રતિ કિલોગ્રામ નોંધાયો હોવાનું ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા જણાવે છે.

તે જ રીતે, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર તેલના છૂટક ભાવ ઘટાડા બાદ નજીવા પ્રમાણમાં વધ્યા હતા. નવેમ્બર, ૨૦૨૦થી ઓકટોબર, ૨૦૨૧ના તેલ વર્ષમાં ૩૧મી જુલાઈ સુધીમાં આયાત કરાયેલા ૯૩.૭ લાખ ટન ખાદ્ય તેલોમાં ક્રૂડ (કાચા) તેલોનો હિસ્સો ૯૯.૫ ટકા અને રિફાઈન્ડ તેલોનો હિસ્સો ૦.૫ ટકા હતો.

ખાદ્ય મંત્રાલયે તાજેતરમાં આપેલા નિવેદન મુજબ, સમગ્ર વર્ષ દરમ્યાન (૧૦ સપ્ટેમ્બર પહેલા) રૂ. ૩૫૦૦ કરોડ જેટલા ડ્યૂટી કાપ થયા હોવાનું અનુમાન છે. તાજેતરમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા ઘટાડાને પગલે એક સંપૂર્ણ વર્ષમાં રૂ. ૧૧૦૦ કરોડનો ડ્યૂટી ઘટાડો થશે. ગ્રાહકોને મળતા લાભનું કુલ પ્રત્યક્ષ મૂલ્ય એટલે કે સરકારની આવકમાં ઘટાડો રૂ. ૪૬૦૦ કરોડ છે.

ઘરઆંગણે તેલની છૂટક કિંમતોમાં વધારો થવાની સાથે આયાત ડ્યૂટીમાં કાપ બાદ ક્રૂડ પામ તેલના આયાત ભાવમાં નજીવો વધારો પણ થયો છે, જે દર્શાવે છે કે બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડાનો લાભ સરભર થઈ ગયો છે. ખાદ્ય તેલોની કુલ આયાતમાં પામ તેલોનો હિસ્સો ૬૦ ટકા કરતાં વધુ છે અને તે મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત થાય છે.

મુંબઈમાં ક્રૂડ પામ તેલનો ખર્ચ, વીમો અને નૂર ભાડું (સીઆઈએફ) ૩૦મી જૂનના રોજ પ્રતિ ટન ૧૦૩૦ ડોલરથી ૨૦.૪ ટકા વધીને ૯મી સપ્ટેમ્બરે ૧૨૪૦ ડોલર નોંધાયા હતા. બીજી તરફ, આયાતી ક્રૂડ સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ એકથી બે ટકા ઘટીને પ્રતિ ટન ૧૩૬૫ નોંધાયા હતા.

(10:01 am IST)