Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુશાંતના ફાર્મ હાઉસ પર NCBનો દરોડોઃ હુક્કા, એશટ્રે સહિત ઘણી બધી વસ્તુઓ મળી

NCBએ દિંવંગત એકટરના પાવના લેક ફાર્મહાઉસ પર દરોડા પાડ્યાઃઅહીં ખૂબ પાર્ટીઓ કરવામાં આવતી હતી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (NCB) એકિટવ થઈ છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે, NCBની ટીમે સુશાંતના પાવના લેક ફાર્મહાઉસ પર રેડ કરી છે.

NCBની ટીમને સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસ પર પાડેલી રેડમાં હુક્કા પોટ્સ, દવાઓ, એશટ્રે અને બીજી ઘણી વસ્તુઓ બરામદ કરી છે. સુશાંત આ જગ્યા માટે દર મહિને ૨.૫ લાખ ચૂકવતો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફાર્મહાઉસ પર સુશાંત પોતાના કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, હાઉસ મેનેજર સેમ્યુલ મિરાન્ડા, ફ્લેટમેટ સિદ્ઘાર્થ પિઠાની સહિતના અન્ય લોકો પાર્ટી કરતા હતા. જણાવી દઈએ કે, આ બધા લોકોને તાજેતરમાં NCB દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુશાંતના દોસ્તો ઉપરાંત બોલિવૂડના કેટલાક સેલેબ્સે પણ ત્યાં પાર્ટી કરી છે. જયારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનથી લડી રહ્યો હતો ત્યારે પણ અહીં પાર્ટીઓ કરવામાં આવી અને એકટર આના માટે સ્ટેરોઈડ લેતો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૪ જૂનના રોજ સુશાંત પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલા તેના મોતને આત્મહત્યા કહેવામાં આવી હતી પરંતુ બાદમાં તેમાં અનેક વળાંક આવ્યા. બાદમાં સુશાંતના પિતાએ રિયા વિરુદ્ઘ FIR નોંધાવી હતી. રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને છેતરપિંડી કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આગળ જતા રિયાની વ્હોટ્સએપ ચેટથી આ મામલો ડ્રગ્સ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા રિયાની આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી અને હાલ ભાલખલા જેલમાં ૨૨ સપ્ટેમ્બર સુધી કોર્ટ કસ્ટડીમાં છે.

નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB)એ કન્ફર્મ કર્યું છે કે રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ એન્ગલના મુદ્દે આપેલા પોતાના નિવેદનમાં બોલિવૂડ એકટ્રેસ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું છે. સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં આ વાત બહાર આવી છે. સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલા NCBના અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન બોલિવૂડ એકટ્રેસ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ તેમજ સિમોન ખંબાટાનું નામ સામે આવ્યું છે. આ લોકોને અત્યાર સુધી સમન જાહેર કરવામાં આવ્યું નથી.

(11:45 am IST)