Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની બાબત શક્ય નથી

મુસ્લિમ સંગઠનો દ્વારા જોરદાર વિરોધ કરાયો : કલમ ૩૭૦ની નાબૂદી અને ત્રિપલ તલાક બાદ યુનિફોર્મ સિવિલ કોડને લઇને એનડીએ સરકાર ધીમીગતિએ સક્રિય

નવીદિલ્હી,તા.૧૫ : સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે તમામ નાગરિક આચારસંહિતાના વિષય ઉપર ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી લડાયક મૂડમાં દેખાઈ રહી છે. એકબાજુ ભાજપ, સંઘ અને સરકારે પહેલાથી જ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરી છે. બીજી બાજુ મુસ્લિમ સમુદાયના લોકો આની સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જ ત્રિપલ તલાક અને કલમ ૩૭૦ પર સરકાર દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય બાદ કોમન સિવિલ કોડ સરકારના બચેલા સોફ્ટ એજેન્ડામાં માનવામાં આવે છે પરંતુ કેટલાક મુખ્ય મુસ્લિમ સંગઠનો પણ આને લઇને તૈયાર દેખાઇ રહ્યા નથી. સંસદમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને ચર્ચાની વાત પણ શરૂ થઇ ચુકી છે. કોર્ટની ટિપ્પણીના એક દિવસ બાદ જ અનેક મુસ્લિમ સંગઠનોના સભ્યોએ કોમન સિવિલ કોડનો જોરદાર વિરોધ કર્યો છે.

            તેમનું કહેવું છે કે, આટલી વિવિધતાવાળા દેશમાં આ બાબત વ્યવહારિક દેખાઈ રહી નથી. સાથે સાથે લાગૂ કરવાની બાબત પણ શક્ય દેખાઈ રહી નથી. અલગ અલગ પર્સનલ લો અને સમુદાય એક ધર્મની અંદર જુદી જુદી સંસ્કૃતિવાળા લોકો રહેલા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઉલેમાએ હિંદ જેવા મુસ્લિમ સંગઠનોએ ગયા વર્ષે ૩૧મી ઓગસ્ટના દિવસે ફેમિલી કાયદાઓ ઉપર કાયદા પંચ સાથે વાતચીત કરીને એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડ દ્વારા કાયદા પંચના એવા નિવેદનનું સ્વાગત કરવામાં આવ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડની કોઇ જરૂર દેખાતી નથી. સમયની માંગ પણ નથી.

            મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના સઇદવલી રહેમાનીનું કહેવું છે કે, કાયદા પંચ દ્વારા પણ પોતાના પત્રમાં કબૂલાત કરે છે કે, યુસીસી આ સમયમાં જરૂરી નથી. બીજી બાજુ ભાજપના સાંસદ રીટા બહુગુણાએ કહ્યું છે કે, પાર્ટીનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. અમે ઇચ્છીએ છીએ કે, સમગ્ર રાષ્ટ્ર એક ધ્વજ અને એક બંધારણની હેઠળ આગળ વધે. તેમણે કહ્યું છે કે, હવે કોમન સિવિલ કોડના વિષય ઉપર સંસદમાં ચર્ચા કરવાની જરૂર છે ત્યાં ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની જરૂરિયાત દેખાઈ રહી છે. મોદી સરકારે બીજી અવધિમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં એન્ટ્રી કર્યા બાદ એક પછી એક કઠોર નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે જ ત્રિપલ તલાક કાનૂન બની ગયું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારના એજેન્ડામાં આ બે વિષય પહેલાથી જ હતા. હવે મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા ઉપર આગળ વધવા માટે ઇચ્છુક છે અને આને લઇને સંકેતો પણ મળવા લાગી ગયા છે.

(8:16 pm IST)