Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ચંદ્રયાન-૨ ઓર્બીટર ચંદ્રના હિસ્સાના ફોટાઓ મોકલશે

લેન્ડરનો સંપર્ક કરવાના હજુ પણ તમામ પ્રયાસો : ચંદ્રના જે હિસ્સામાં સૂર્યની રોશની પહોંચતી નથી ત્યાંના રાજને ખોલવા માટે ઓર્બીટર સંપૂર્ણ સુસજ્જ છે : ઇસરો

નવી દિલ્હી, તા. ૧૫ : ચંદ્ર પર સ્થિત વિક્રમ લેન્ડર સાથે હજુ સુધી કોઇ સંપર્ક થઇ શક્યો નથી પરંતુ ભારતના ચંદ્રયાન-૨ના ઓર્બીટર દ્વારા પોતાના મિશનને આગળ વધારવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભારતના બીજા મૂન મિશન માટેના આ ઓર્બીટર ચંદ્રને લઇને અનેક મહત્વની બાબતો રજૂ કરવાની તૈયારીમાં છે. ઓર્બીટર હવે ચંદ્ર હંમેશા અંધારામાં રહેવાને લઇને એટલે કે એ ક્ષેત્રના ફોટાઓ પણ મોકલશે જ્યાં ચંદ્રની આસપાસ સૂર્યની રોશની પહોંચી શકતી નથી. આ બાબત સમગ્ર દુનિયા માટે નવી માહિતી તરીકે રહેશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક દશક પહેલા મોકલવામાં આવેલા ભારતના પ્રથમ ચંદ્રયાનથી તેના દેખાવની સ્થિતિ સુધરી રહી છે. ચંદ્રના જે હિસ્સામાં સૂર્યની રોશની પહોંચતી નથી ત્યાં ઓર્બીટર રાજ ખોલી શકે છે. ચંદ્ર પર રહેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે હવે એક સપ્તાહનો સમય રહી ગયો છે.  ઓર્બીટરનો દેખાવ શાનદાર રહ્યો છે.

           નાસાનું સ્પેશક્રાફ્ટ મંગળવારના દિવસે લેન્ડરના ઉપરથી પસાર થનાર છે. આવી સ્થિતિમાં મહત્વની માહિતી મળી શકે છે. ઇસરોના પૂર્વ ચેરમેન એએસ કિરણકુમારનું કહેવું છે કે, અમે ચંદ્રયાન-૧ની સરખામણીમાં વધુ સારા પરિણામની અપેક્ષા રાખી રહ્યા છે. કારણ કે, અમે માઇક્રોવેવ ડ્યુઅલ ફ્રિકવન્સી સેન્સરની મદદથી ચંદ્રની આસપાસ હંમેશા અંધારપટની સ્થિતિ કેમ રહે છે તેને લઇને મેપિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ઓર્બીટરમાં મોટા સ્પેક્ટ્રલ રેંજના ખુબ દમદાર કેમેરા લાગેલા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, ઓર્બીટર પહેલાથી ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઇ ચુક્યું છે અને ચંદ્રની વિકાસ યાત્રા, સપાટીની સંરચના, ખનીજ અને પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં અમારી સમજને વધુ સારી બનાવવામાં મદદ કરશે. ઓર્બીટર આશરે સાત વર્ષ સુધી ઓપરેશનમાં રહેશે. આ ગાળા દરમિયાન ચંદ્રના રહસ્યો પરથી પર્દાને ઉચકવામાં મદદ મળશે. અત્રે નોંધનીય છે કે, ૨૨મી જુલાઈના દિવસે લોંચ કરવામાં આવનાર ચંદ્રયાન-૨માં લેન્ડર અને રોવરને  ચંદ્ર પર ઉતરવાની જરૂર હતી જ્યારે ઓર્બીટરના હિસ્સામાં ચંદ્રની પરિક્રમા કરીને માહિતી એકત્રિત કરવાની જવાબદારી ઓર્બીટરની રહેલી છે.

સાતમી સપ્ટેમ્બરના દિવસે લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શ કરે તેના આશરે ૨.૧ કિલોમીટર ઉપર જ ઇસરોના રડારમાંથી લેન્ડર ગાયબ થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. અલબત્ત ઓર્બીટર હાલના સમયમાં ચંદ્રની સપાટીથી આશરે ૧૦૦ કિલોમીટરની ઉપરથી પરિક્રમા કરી રહ્યું છે. બીજી બાજુ લેેન્ડરે ચંદ્ર ઉપર હાર્ડ લેન્ડિંગ કરી હતી. તેની સાથે સંપર્કના પ્રયાસો ચાલી રહ્યા છે. વૈજ્ઞાનિકો છેલ્લી ઘડી સુધી વિક્રમ સાથે કનેક્ટ થવાના પ્રયાસ કરી રહ્યા છે.

ઇસરો આશાવાદી......

*   ચંદ્ર પર રહેલા વિક્રમ લેન્ડરસાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસો હજુ પણ જારી રહ્યા છે

*   સંપર્ક કરવા માટે એક સપ્તાહનો સમય રહ્યો છે

*   સતત સંપર્ક કરવાના પ્રયાસો છતાં સંપર્ક ન થતા હજુ નિરાશા હાથ લાગી નથી

*   ચંદ્રયાન-૨ના ઓર્બીટર મારફતે પોતાના મિશનમાં તમામ પ્રયાસો થઇ રહ્યા છે

*   મૂન મિશનના ઓર્બીટર ચંદ્રના હંમેશા અંધારામાં રહેનાર ક્ષેત્રના ફોટાઓ પણ મોકલવા માટે તૈયાર છે

*   ચંદ્ર પરથી અનેક રહસ્યનો પર્દાફાશ થશે

*   અમેરિકા પણ વધુ માહિતી મેળવવા મદદમાં છે

*   ઓર્બીટરમાં ખુબ મોટા સ્પેક્ટ્રલ રેંજના દમદાર કેમેરા છે

*   નાસાનું યાન વિક્રમ પરથી મંગળવારના દિવસે પસાર થશે

(8:14 pm IST)