Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ચેતવણી બાદ પણ બંગલાઓ ખાલી ન કરનારા સામે તવાઈ

૮૨ પૂર્વ સાંસદો સામે કઠોર કાર્યવાહીની તૈયારી : ૮૨ પૂર્વ સાંસદો ધારાધોરણો નહીં પાળે તો વિજળી, પાણી અને ગેસ કનેક્શન જેવી સુવિધા બંધ કરી દેવાશે : રિપોર્ટ

નવીદિલ્હી,તા.૧૫ : દિલ્હીના લુટિયન્સ ઝોનમાં ૮૦થી વધારે સાંસદોને લોકસભાની પેનલ તરફથી કઠોર ચેતવણી મળી ગયા બાદ પણ સત્તાવાર બંગલા હજુ સુધી ખાલી કરવામાં આવ્યા નથી. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, જે સાંસદોએ બંગલા ખાલી કર્યા નથી તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવનાર છે. લોકઆવાસ કલમ હેઠળ સરકાર આ પૂર્વ સાંસદો ઉપર કાર્યવાહી કરવાને લઇને વિચારણા કરી રહી છે. સીઆર પાટીલના નેતૃત્વમાં લોકસભા આવાસ સમિતિએ ૧૯મી ઓગસ્ટના દિવસે આશરે ૨૦૦ પૂર્વ સાંસદોને એક સપ્તાહની અંદર બંગલા ખાલી કરી દેવા માટેના આદેશ જારી કરી દીધા છે. એક સપ્તાહમાં બંગલા ખાલી નહીં થવાની સ્થિતિમાં ત્રણ દિવસની અંદર વિજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાંખવામાં આવશે. સમિતિના આદેશ બાદ મોટાભાગના પૂર્વ સાંસદોએ તેમના સત્તાવાર આવાસો ખાલી કરી દીધા છે પરંતુ ૮૨ પૂર્વ સાંસદોએ હજુ પણ વર્તમાન યાદી મુજબ હજુ બંગલા ખાલી કર્યા નથી. લોકસભા આવાસ સમિતિના સુત્રોના કહેવા મુજબ આ બાબત અસ્વીકાર્ય દેખાઈ રહી છે. આ પ્રકારના પૂર્વ સાંસદોની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવનાર છે. એક અન્ય સુત્ર પાસેથી મળેલી માહિતી મુજબ જેમ જ બંગલા ખાલી કરવા માટેના આદેશ થયા છે ત્યારથી કાર્યવાહી શરૂ થઇ છે. બંગલા ખાલી નહીં કરનાર સાંસદોના બંગલા ઉપર વિજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી નાંખવામાં આવશે. નિયમ મુજબ પૂર્વ સાંસદોને સંબંધિત આવાસો લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર ખાલી કરી દેવાની જરૂર હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૬મી લોકસભાને ૨૫મી મેના દિવસે ભંગ કરી દીધી હતી. ત્યારબાદથી ઘણો સમય થયો હોવા છતાં ૮૨ પૂર્વ સાંસદોએ હજુ સુધીતેમના બંગલા ખાલી કર્યા નથી.

(8:13 pm IST)