Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

દેશમાં રોજગાર નહીં પોસ્ટ મુજબ કુશળ લોકોની અછત છે : ગંગવાર

સંતોષ ગંગવારના નિવેદનથી ભારે હોબાળો થવાના સ્પષ્ટ સંકેતો : ઉત્ત ભારતમાં કુશળ લોકોની અછત દેખાઈ રહી છે : ઉત્તર ભારતમાં ભરતી માટે આવનારી કંપની ક્વોલિટી વ્યક્તિઓની શોધ કરી ન શકી : કેન્દ્રીયપ્રધાન

નવીદિલ્હી, તા. ૧૫ : કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે, દેશમાં રોજગારની તકોની કોઇપણ કમી દેખાઈ રહી નથી. જો કે, પોસ્ટની રીતે પુરતા પ્રમાણમાં કુશળ ઉમેદવારો મળી રહ્યા નથી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારની આ જાહેરાતથી ભારે હોબાળો મચી ગયો છે. ગંગવારનું કહેવું છે કે, ઉત્તર ભારતમાં સારા શિક્ષણ મેળવી ચુકેલા યુવાઓની કમી દેખાઈ રહી છે. દેશમાં રોજગારની કોઇપણ કમી દેખાઈ રહી નથી. અમારા ઉત્તર ભારતમાં જે રિક્રુટમેન્ટ કરવામાં આવે છે તે આ બાબતના પ્રશ્ન કરે છે કે, જે પોસ્ટ માટે અમે ઉમેદવાર શોધી રહ્યા છે તેવા ઉમેદવાર મળી રહ્યા નથી. ક્વોલિટીની વ્યક્તિઓ મળી રહી નથી. ગંગવારે પોતાના સંસદીય ક્ષેત્ર બરેલીમાં મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અખબારોના અહેવાલ ખોટીરીતે રજૂ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, અખબારોમાં જે પ્રકારના દાવા થઇ રહ્યા છે તે યોગ્ય નથી. સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રીએ કહ્યું છે કે, હાલના અખબારોમાં રોજગારની વાત કરવામાં આવી રહી છે. તેઓ આ મંત્રાલયની જ જવાબદારી સંભાળી રહ્યા છે અને દરરોજ તેના ઉપર નજર પણ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે, દેશની અંદર રોજગારની કોઇ કમી દેખાઈ રહી નથી. ખુબ તકો રહેલી છે. રોજગાર આપવાના સરકારના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો છે. ગંગવારનું કહેવું છે કે, રોજગાર ઓફિસો ઉપરાંત અમારા મંત્રાલય દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કહી શકાય છે કે, રોજગારની કોઇ સમસ્યા નથી. કેન્દ્ર સરકાર રોજગાર રચનાના મામલામાં સતત મુશ્કેલીમાં મુકાઈ રહી છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે નોટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ રોજગારી ગુમાવી દીધી હતી ત્યારબાદથી આ સિલસિલો જારી રહ્યો છે.

   લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જારી કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારીનો દોર સૌથી વધારે રહેલો છે. હાલમાં ઓટો સેક્ટરમાં મંદીના કારણે પણ નોકરીઓ જવાના અહેવાલ આવી રહ્યા છે. આવનાર દિવસોમાં રોજગારને લઇને મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે. ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીનો મુદ્દો જોરદારરીતે ચમકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

(8:08 pm IST)