Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

આંધ્રપ્રદેશ : ૬૧ લોકો સાથે નૌકા ઉંધી વળતા ૧૧ મૃત્યુ

મોટી સંખ્યામાં લોકો લાપત્તા થતાં ચિંતાનું મોજુ :મોતનો આંકડો વધવાની દહેશત છે : ૨૩ લોકોને સુરક્ષિત બચાવાયા છે : મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયા

અમરાવતી,તા.૧૫ : આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં નૌકા ઉંધી વળી જવાના કારણે ૧૧ લોકોના મોત થઇ ગયા છે. મોટી નૌકામાં ૬૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ૩૦ સભ્યોની એનડીઆરએફની ટુકડીએ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ૨૩ લોકોને સુરક્ષિતરીતે બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જિલ્લાના તમામ મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી પર નજર રાખવા આદેશ કર્યો છે. રેડ્ડીએ મૃતકોના પરિવારને ૧૦-૧૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નૌકા દુર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું છે. નદી છેલ્લા કેટલાક દિવસથી ભારે તોફાની સ્થિતિમાં હતી. બનાવ બન્યો ત્યારે નદીમાં પુરની સ્થિતિ હતી.

મૃતકોમાં મોટી સંખ્યામાં નૌકાના કર્મીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. આ નૌકા કચ્ચુલુરુ પાસે ઉંડી વળી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હોવા છતાં ૧૧ના મોત થઇ ગયા હતા. મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસ પ્રમુખે ભારતીય નૌકા સેનાના અધિકારીઓને નૌકા દુર્ઘટના સ્થળ માટે એક હેલિકોપ્ટરની મદદ આપવાની પણ માંગ કરી છે. બીજી બાજુ મુખ્ય સચિવ એલવી સુબ્રમણ્યમે પણ પૂર્વીય ગોદાવરીના જિલ્લા કલેક્ટર મુરલીધર રેડ્ડી સાથે વાતચીત કરી છે. રાજ્યના પ્રવાસ મંત્રી અવંતિ શ્રીનિવાસ રાવે બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છેકે, આ નૌકાના કર્મીઓ પાસે કોઇપણ પ્રકારના લાયસન્સ ન હતા. મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમની સંવેદના દુખી અને પીડિત પરિવારોની સાથે રહેલી છે. લાપત્તા લોકોની શોધખોળ મોડી રાત સુધી જારી રહી હતી. મોતનો આંકડો વધવાની દહેશત દેખાઈ રહી છે. કારણ કે લાપત્તા લોકોની સંખ્યા પણ મોટી છે.

(9:26 pm IST)