Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કાશ્‍મીરમાં કડક પગલાથી આંતકીઓ અકળાયા: લોકોમાં ભય પ્રસરાવવા હવે સફળજનના બગીચાને નિશાન બનાવી આગ ચાંપી : ભારતીય સેના અેલર્ટ

નવી દિલ્‍હી : કેન્દ્ર સરકારના પગલાથી અકળાયેલા આતંકવાદી કાશ્મીરના લોકોમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દક્ષિણી કાશ્મીરમાં લોકોમાં ડર પેદા કરવા માટે આતંકી તમામ પ્રકારની યુક્તિઓ અજમાવી રહ્યા છે.

આતંકવાદીઓએ શોપિયા જિલ્લામાં સફરજનના બગીચામા આગ લગાવી દીધી છે. આતંકીઓએ વેપારીઓની સાથે-સાથે મજૂરોને પણ કામ ન કરવાની ધમકી આપી છે જ્યારે શોપિયાના એક ગામમાં પંચાયત ભવનમાં આગ લગાવી દીધી. સેના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સતત પેટ્રોલિંગ કરી રહી છે.

હિંસા રોકવા માટે સેના એક્શનમાં છે. આવી ઘટનાઓને રોકવા માટે સેના સ્થાનિક લોકોના સંપર્કમાં પણ છે. જેથી સમય કરતા પહેલા આવા મામલાને રોકી શકાય અને લોકોને ભયમુક્ત કરી શકાય. સ્થાનિક લોકો પાસેથી આતંકીઓ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.

સૂત્રો અનુસાર આતંકી ગતિવિધિઓને રોકવા અને તેની પર નજર રાખવા માટે સેનાએ પેટ્રોલિંગ વધારી દીધુ છે. જોકે મોબાઈલ સેવા ઠપ થવાના કારણે સેનાને યોગ્ય સમયે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આજ કારણસર આતંકવાદીઓ વિરૂદ્ધ ઑપરેશન ચલાવવામાં કેટલાક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ કાશ્મીરમાં લોકોમાં ભય પેદા કરવા માટે સફરજનના બગીચાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બગીચાના માલિકોને ધમકાવવામાં આવ્યા છે. તેથી સફરજનના બગીચાના માલિકોએ પોલીસ સાથે સંપર્ક સાધ્યો છે. સફરજનના બગીચાને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. શોપિયાના એક ગામમાં સફરજનના 70 કાર્ટૂનમાં આતંકીઓએ આગ લગાવી દીધી.

(12:58 pm IST)