Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ગેસ સિલીન્ડર ધારકને પ૦ લાખ સુધીનો વિમો ઉપલબ્ધ હોય છેઃ તેના માટે ગ્રાહકે કોઇ વધારાનું માસિક પ્રિમિયમ ભરવુ પડતું નથી

નવી દિલ્હી: અગાઉ તમને જણાવ્યું હતું કે જો કોઈ ગેસ એજન્સી તમારા ઘર પર સિલિન્ડરની ડિલિવરી ન કરે તો એવી સ્થિતિમાં તમારે સિલિન્ડર લેવા માટે ગેસ એજન્સી પાસે જવું પડશે. આ સ્થિતિમાં તમારે સિલિન્ડર લેવા માટે એજન્સીના ગોડાઉન જવું પડે તો તમે એજન્સી પાસેથી એક નક્કી રકમ મેળવી શકો છો. તમને આ નિયમ અંગે જાણકારી હોય તો કોઈ પણ એજન્સીવાળા તમને ના પાડી શકે નહીં. હકીકતમાં કંપનીઓ તરફથી ગેસ સિલિન્ડરની નક્કી કરેલી કિંમતમાં હોમ ડિલિવરીની રકમ પણ સામેલ હોય છે. પરંતુ જો એજન્સી હોમ ડિલિવરી ન કરે તો તમને આ ચાર્જ મેળવવાનો અધિકાર છે.

વીમાની બે સ્થિતિ

તમને જણાવીએ કે સંબંધિત કંપની તરફથી દરેક એલપીજી ગ્રાહકને 50 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. આ વીમાની બે સ્થિતિ હોય છે. આ માટે કોઈ પણ ગ્રાહકે કોઈ વધારાનું માસિક પ્રિમિયમ ભરવાનું હોતુ નથી. જો ગેસ સિલિન્ડરથી કોઈ અકસ્માત થાય તો પહેલી કંડીશન હેઠળ 40 લાખ અને બીજી કન્ડિશન હેઠળ 50 લાખ રૂપિયા સંબંધિત એજન્સીએ આપવા પડતા હોય છે.

દર વર્ષે ગેસ સિલિન્ડર ફાટવાના કે આગ લાગવાના કારણ થયેલા અકસ્માત અંગે કેસ આવતા હોય છે. આવામાં લોકોને પોતાના અધિકારો અંગે જાણકારી હોતી નથી. આ જ કારણ છે કે અકસ્માત થયા બાદ પણ બહુ ઓછા લોકો ગેસ એજન્સી તરફથી કવર થતા આ વીમા માટે  ક્લેમ કરતા હોય છે. જ્યારે આ ક્લેમ કરવો એ ગ્રાહકનો અધિકાર હોય છે અને સંબંધિત એજન્સીની જવાબદારી પણ. આ વીમા અંગેની વધુ માહિતી અત્રે પ્રસ્તુત છે.

40 લાખનો ક્લેમ

એલપીજી સિલિન્ડરથી જો તમારા ઘર કે પ્રતિષ્ઠાનમાં કોઈ અકસ્માત સર્જાય તો તમે 40 લાખ સુધીના વીમાનો ક્લેમ કરી શકે છો. બીજી બાજુ સિલિન્ડર ફાટવાથી જો કોઈ વ્યક્તિનું મોત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરવામાં આવી શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પ્રત્યેક પીડિત વ્યક્તિને 10 લાખ રૂપિયા સુધીના નુકસાની વળતરનો નિયમ છે.

કોઈ વધારાનું પ્રિમિયમ નહીં

ઉપર જણાવવામાં આવેલા વીમા માટે ગ્રાહકોએ કોઈ વધારાનું પ્રિમિયમ ભરવું પડતું નથી. જ્યારે તમે કોઈ નવું કનેક્શન લો છો તો વીમો ઓટોમેટિક તમને મળી જતો હોય છે. કનેક્શન વખતે લેવાતી રકમમાં આ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ સમાવેલું હોય છે. પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના વિતરકોએ આ વીમો કરવાનો હોય છે.

જો દુર્ઘટના ઘટે તો આમ કરો

જો તમે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનો તો સૌથી પહેલા પોલીસ અને વીમા કંપનીને તેની જાણ કરો. અનેકવાર પોલીસ આવા મામલે એફઆઈઆર નોંધતી નથી. આથી જરૂરી છે કે તમે એફઆઈઆર કરાવો અને વીમાની રકમનો દાવો કરવા માટે એફઆઈઆરની કોપી સુરક્ષિત રાખો. કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તો તે અંગેના બિલ પણ સાચવીને રાખો.

(5:29 pm IST)