Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પેટ્રોલ-ડિઝલના ભાવમાં હજુ વધારો થાય તેવા સ્પષ્ટ સંકેતો

એપ્રિલ-જુલાઈ ૨૦૧૮ની વચ્ચેના ગાળામાં ભારત દ્વારા ૨૬૪૦૩૦ કરોડ રૂપિયાના ભાવના ક્રુડની આયાત થઈ : ભારત ક્રુડની ૮૦ ટકા આયાત કરે છે : રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧૫ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે કારણ કે બ્રેન્ડ ઓઈલની કિંમતમાં તીવ્ર વધારો જારી રહ્યો છે. બ્રેન્ટ ઓઈલની કિંમત આજે બેરલદીઠ ૭૮ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ભારત દ્વારા તેની ક્રુડ ઓઈલ પૈકીની ૮૦ ટકા આયાત કરે છે. ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે આયાત વધારે મોંઘી બની ગઈ છે. આના પરિણામ સ્વરૂપે ફ્યુઅલની કિંમતમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે જુન મહિનામાં ઓએમસી દ્વારા દર મહિને પહેલી અને ૧૬મી તારીખે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સુધારો કરવાની પ્રક્રિયાને બંધ કરી દીધી હતી. આ પ્રક્રિયા છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહી હતી. તમામ લોકો જાણે છે ભારત મોટાભાગે ક્રુડ ઓઈલ ઉપર આધારિત છે. ૮૦ ટકા ઓઈલની આયાત કરવામાં આવે છે. ભારત દ્વારા એપ્રિલ-જુલાઈ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૬૪૦૩૦ કરોડ રૂપિયા અથવા તો ૩૯ અબજ રૂપિયાની કિંમતના ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી હતી. પેટ્રોલિયમ પ્લાનીંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત આજે કરવામાં આવી હતી. ભારત દ્વારા એપ્રિલ-જુલાઈ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં મોટા પ્રમાણમાં ક્રુડની આયાત કરવામાં આવી છે. આ સ્થિતિ હાલ અકબંધ રહી શકે છે. આયાત ઉપર આધારને ઘટાડવાની જરૂર છે. ભારતમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં હજુ પણ વધારો થઈ શકે છે. એકબાજુ લોકો પહેલાથી જ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલ માટે વધુ ઉંચી કિંમત લોકોને ચૂકવવી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઓએમસી દ્વારા છેલ્લા કેટલાક સમયથી દરરોજની પ્રથા ભાવ વધારાની અપનાવવામાં આવી રહી છે.જેથી હોબાળો વધારે થઈ રહ્યો છે.

 

(7:58 pm IST)