Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

થાઇલેન્ડઃ યોગ ગુરૂ ઉપર ૧૦૦ મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ લાગતા હલચલ

વિશ્વની સૌથી મોટી તાંત્રિક યોગ સ્કુલ ''અગમ યોગ'' યૌન શોષણનો અડ્ડોઃ તંત્ર-મંત્રના નામે મહિલાઓનું જાતીય શોષણઃ અંધ વિશ્વાસ રાખવા બાદલ હવે પસ્તાતી મહિલાઓ

બેંગકોક, તા.૧૫: વિશ્વની સૌથી મોટી તાંત્રિક યોગ સ્કૂલ અગમ યોગ સ્કૂલમાં જાતીય શોષણનો અડ્ડો ચાલતો હોવાના અહેવાલોએ બધાને ચોંકાવી દીધા છે. યોગ ગુરુ સ્વામી વિવેકાનંદ સરસ્વતી ઉર્ફે નારસિસ તારકાઉ વિરુદ્ઘ તેમના જ ૧૬ જૂના અનુયાયીઓએ શારીરિક શોષણ કર્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તેમાં ૧૪ પુરુષ અને બે મહિલા અનુયાયીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે યોગ સ્કૂલ થાઇલેન્ડના સૌથી સુંદર ટાપુ કોહ પેંગાન પર આવેલી છે. આ સ્કૂલ પર આક્ષેપ છે કે તંત્ર વિદ્યાને નામે ૧૦૦ મહિલાઓને અહીં યોગ ગુરુ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. તેમાં બ્રિટન, બ્રાઝિલ, અમેરિકા અને કેનેડાની મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મીડિયા અહેવાલ મુજબ તે પૈકી ૪૦ મહિલાને સ્કૂલના વરિષ્ઠ પુરુષ કર્મચારીએ પણ હવસનો શિકાર બનાવી હતી. તે લોકોનું કહેવું છે કે અગમ યોગ સ્કૂલમાં જાતીય શોષણ તે સામાન્ય વાત છે. અહીં આવનારા લોકો સ્વામી વિવેકાનંદ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. યોગ ગુરુ સેકસને ધર્મ સાથે સાંકળે છે અને મહિલાઓનું જાતીય શોષણ થઈ શકે તે હેતુસર તેમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે.

એક પીડિતાએ કહ્યું હતું કે સ્કૂલની અંદર તેની સાથે જે કાંઈ બન્યું તેને કારણે માનસિક રીતે પરેશાન છે. તે ભયાનક યાદોને તે ભૂલી નથી શકતી.

વિવેકાનંદ દેશ છોડી ગયા

જોકે સ્કૂલ વહીવટીતંત્રે જણાવ્યું છે કે ગંભીર આક્ષેપો લાગતા સંસ્થાપક વિવેકાનંદ સરસ્વતીએ સ્કૂલની તમામ વહીવટી અને શિક્ષણ સંબંધી જવાબદારીઓથી પોતાને અલગ કરવા નિર્ણય લીધો છે. વિવેકાનંદ સરસ્વતીએ દેશ છોડી દીધો છે. શાળા પ્રબંધને યુવતીઓની જાતીય સતામણીના આરોપેને તો ફગાવી દીધા છે પણ જાતીય સતામણીના આરોપ કરનારી યુવતીઓની માફી માગી છે. તપાસ માટે યોગ સ્કૂલે તપાસ સમિતિની રચના કરી છે.

સ્વામી વિવેકાનંદ મૂળે રોમાનિયાના રહીશ છે. ભારતના ઋષિકેષમાં સમય ગાળ્યા પછી તેઓ થાઇલેન્ડ પહોંચ્યા હતા. ઋષિકેશને યોગનું જન્મસ્થાન માનવામાં આવે છે.(૨૨.૧૬)

(3:23 pm IST)