Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પ્રિસ્‍ક્રીપ્‍શન ઉપર કોમ્‍પ્‍યુટર દ્વારા દવા અને બીમારીનું નામ લખવા હાઇકોર્ટનો આદેશ

દરેક ડોકટરને કોમ્‍પ્‍યુટર-પ્રિન્‍ટર વસાવી લેવા અને ત્‍યાં સુધી કેપીટલ અક્ષરોમાં વિગતો લખવા-તાકીદ

નૈનિતાલ, તા. ૧પ : ઉતરાખંડ હાઇકોર્ટે રાજયની સરકારી અને ખાનગી હોસ્‍પિટલોના ડોકટરોને જે દર્દીનો ઇલાજ ચાલતો હોય તેના પ્રિસ્‍ક્રીપ્‍શનમાં તેના માટે લખવામાં આવેલી દવા અને બીમારીનું નામ, કોમ્‍પ્‍યુટરથી લખવાનો આદેશ આપ્‍યો છે જેના લીધે સામાન્‍ય દર્દીને પણ પોતાની બીમારી અને દવાની સહેલાઇથી જાણકારી મળી શકે. કોર્ટે દરેક ડોકટરને કોમ્‍પ્‍યુટર અને પ્રિન્‍ટર આવી જાય ત્‍યાં સુધી દવાનું નામ અંગ્રેજીના કેપીટલ અક્ષરોમાં લખવાનું કહ્યું છે સાથે જ હોસ્‍પિટલોમાં તપાસના ચાર્જ સરખા કરીને હોસ્‍પિટલોમાંથી જેનેરીક દવાઓ જ આપવા સબંધી આદેશને પડકારતી અરજીઓ રદ કરી દીધી છે.

હિમાલયન મેડીકલ કોલેજ જોલીગ્રાંટ, સિનર્જી હોસ્‍પિટલ તરફથી આ પુનર્વિચારણા માટે અરજી દાખલ કરાઇ હતી, જેમાં ૧૪ ઓગસ્‍ટે અપાયેલ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગણી થઇ હતી. જેમાં કલીનીકલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ એકટ વિરૂદ્ધ ચાલતી હોસ્‍પિટલોને બંધ કરવાનો આદેશ અપાયો હતો, શુક્રવારે કાર્યકારી મુખ્‍ય ન્‍યાયમૂર્તિ રાજીવ શર્મા અને ન્‍યાયમૂર્તિ મનોજકુમાર તિવારીની ખંડપીઠે આ અરજીને રદ કરતા સરકારી અને ખાનગી ડોકટરોને આદેશ આપ્‍યો કે પ્રિસ્‍ક્રીપ્‍શનમાં બિમારીનું નામ અને દવાઓ કોમ્‍પ્‍યુટર પ્રિન્‍ટેડ હોવી જોઇએ.

ખંડપીઠે પુનર્વિચાર અરજીમાં જેનેરીક સિવાયની બીજી દવાઓ લખવાની માંગણીને પણ નામંજુર કરીને બ્રાન્‍ડેડના બદલે જેનેરીક દવાઓ લખવાનો આદેશ આપ્‍યો. સુનાવણી દરમ્‍યાન સરકારી વકીલે જણાવ્‍યું હતું કે રાજયના બધા ડોકટરોને કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર વગેરે ઉપલબ્‍ધ કરાવવું શકય નથી એટલે તેમને સમય આપવો જોઇએ. આ દલીલ સાથે સહમત થતા કોર્ટે કહ્યું કે આને અમલી બનાવવા માટે ઓછામાં ઓછો સમય લેવાય.

આ પહેલા કોર્ટે રાજયમાં ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્‍પિટલોને સીલ કરવા અને મેડીકલ તપાસના ભાવ નક્કી કરવાનું કહ્યું હતું. બાજપુર નિવાસી અખ્‍તર મલિકની જનહિત અરજી પણ સુનાવણી કરતા કોર્ટે આર્ય પ્રગટ કરતા કહ્યું હતું કે બાજપુર ખાતે બીડી હોસ્‍પિટલ, કેલાખેડાની પબ્‍લિીક હોસ્‍પિટલ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કેમ નથી કરાઇ. 

 

(2:16 pm IST)