Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોમવારથી સંઘનો કાર્યક્રમઃ મમતા-માયાવતીને આમંત્રણ

રાહુલ અંગે સસ્પેન્સઃ દિગ્વીજય સિંહને બોલાવ્યાઃ અનેક મુસ્લિમ ધર્મગુરૂઓને પણ આમંત્રણ અપાયું

નવી દિલ્હી તા. ૧પ :.. સંઘના જે કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બોલાવવા બાબતે અનુમાન લગાવાઇ રહ્યું હતું તેના પરથી પરદો ઉચકી ગયો છે. સંઘે રાહુલ ગાંધીને આમંત્રણ નથી મોકલ્યું. કોંગ્રેસમાંથી સંઘે દિગ્વીજય સિંહને આમંત્રીત કર્યા છે. ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ સેમીનારનો વિષય ભવિષ્યનું ભારત છે. મમતા અને અખિલેશ પણ આમંત્રીતોમાં સામેલ છે. કુલ ૪૦ પક્ષોના ઉચ્ચ નેતાઓને આમંત્રણ અપાયા છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૧૭ નવેમ્બરથી શરૂ થનાર આ ૩ દિવસના કાર્યક્રમમાં સંઘ રાહુલને પણ બોલાવશે તેવા સમાચારો આવતા રહ્યા છે. પણ હજી સુધી તેમને આમંત્રણ નથી અપાયું. કહેવાઇ રહ્યું છે કે સંઘનો વિચાર રાહુલને આ કાર્યક્રમ માટે અંગત રીતે આમંત્રણ આપવાનો છે.

સુત્રો અનુસાર, સંઘના મુખ્ય ટીકાકાર મધ્ય પ્રદેશના માજી મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહને સંઘે આમંત્રણ આપ્યું છે. દિગ્વીજય સિંહ સિવાય પણ બીજા કેટલાક ચોંકાવનારા નામ છે, જેને સંઘે આ કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે.

ઉત્તર પ્રદેશના માજી મુખ્ય પ્રધાનો અખિલેશ અને માયાવતી ઉપરાંત પશ્ચિમ બંગાળ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પણ આમંત્રણ અપાયું છે. સંઘે એઆઇએ ડીએમકે, ડીએમકે, બીજેડી, અને ટીડીપી સહિત દેશના ૪૦ રાજકીય પક્ષોના વડાઓને પણ આમંત્રણ આપ્યું છે.

કહેવાઇ રહ્યું છે કે કેટલાય મુસ્લિમ ધર્મગુરૂઓને પણ આમંત્રીત કરાયા છે. જો કે ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સંઘના આમંત્રણ બાબતે કહ્યું કે જયાં સુધી તેમની વિચાર સરણી નહીં બદલાય ત્યાં સુધી તેમના કોઇ કાર્યક્રમમાં સામેલ થવું ઉચીત નથી.

પર્સનલ લો બોર્ડના સચિવ જફરયાબ જીલાનીએ કહ્યું, 'સંઘ પોતાની તસ્વીર બદલવા આ પ્રકારના કાર્યક્રમો કરે છે. અમને નથી લાગતું કે મુસલમાનો બાબતે સંઘની વિચારધારામાં કોઇ ફેરફાર થયો હોય.'

સંઘનો 'ભવિષ્યનું ભારત' કાર્યક્રમ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંઘ તરફથી દુનિયાભરના ૭૦ દેશોને આમંત્રણ મોકલાયું છે. જો કે તેમાં પાકિસ્તાનના કોઇપણ પ્રતિનિધીને નથી. બોલાવાયા. (પ-૭)

(2:15 pm IST)