Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

આજે રાહુલ ગાંધીના નિવાસ સ્‍થાને કોંગ્રેસ કોર કમિટીની બેઠક

મહત્‍વપુર્ણ મુદ્દાઓની થશે ચર્ચા

નવી દિલ્‍હી તા.૧૫: વર્ષાંતે પાંચ રાજયો (મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, છતીસગઢ, મિજોરમ અને તેલંગાણા) માં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા શનિવારે કોંગ્રેસ કોર કમિટીની બેઠક થશે. આ બેઠક પણ પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસ સ્‍થાને થશે. અનુમાન છે કે આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ નક્કી થશે. સાથે જ ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને પણ કેટલાય મહત્‍વપુર્ણ નિર્ણયો લેશે

રીપોર્ટ અનુસાર, કોંગ્રેસ કોર કમિટીની આ બેઠકમાં આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી મુદ્દે પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેલંગાણા વિધાનસભા ભંગનો પ્રસ્‍તાવ કેબીનેટ દ્વારા મંજુર થયા પછી રાજયના મુખ્‍ય પ્રધાન કે. ચંદ્રાશેખર રાવે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ઉચ્‍ચ કોંગ્રેસી નેતાઓ અનુસાર, પ્રાથમિક સહમતી પછી હવે રાજયમાં સીટોની વહેંચણી બાબતે ચર્ચા ચાલી રહી છે. ટુંક સમયમાં જ ગઠબંધનની ઓૈપચારિક જાહેરાત થઇ શકે છે.

જણાવી દઇએ કે આ પહેલા શુક્રવારે કોંગ્રેસે માજી કેન્‍દ્રીય પ્રધાન ભકત ચરણદાસની અધ્‍યક્ષતામાં તેલંગાણા માટે ત્રણ સભ્‍યોની એક કમિટી નીમી છે અને નવ રાષ્‍ટ્રીય સચિવોની નિમણૂંક કરી છે જે વિભીન્ન રાજયોમાં સહ પ્રભારીની ભુમિકા નિભાવશે.

(12:36 pm IST)