Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૯: ડીઝલ ૭૮નું: આજે સમીક્ષા બેઠક

૧ મહિનાથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા તથા ડીઝલ ૨૪ પૈસા મોંઘુ થયું: રોજેરોજ વધતા ભાવથી આમ જનતા હેરાન-પરેશાનઃ સરકાર હવે જાગીઃ મોદીએ તૂટતા રૂપિયા અને ઈંધણના ભાવ વધારા મામલે સમીક્ષા બેઠક બોલાવીઃ જેટલી સહિત ટોચના અધિકારીઓ ભાગ લેશે

નવી દિલ્હી, તા. ૧૫ :. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે. આજે પણ ડીઝલમાં પેટ્રોલના ભાવમાં લીટરે ૩૫ પૈસાનો તો ડીઝલમાં ૨૪ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૬૩ રૂ. પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ ૭૩.૫૪ રૂ. પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને ૮૯.૦૧ રૂ. પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલના ભાવ ૨૫ પૈસા વધીને ૭૮.૦૭ રૂ. થઈ ગયા છે.  પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કાબુમાં લેવા હવે રહી રહીને સરકાર જાગી છે અને આજે વડાપ્રધાન મોદીએ સમીક્ષા બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે.

ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૨૮ પૈસા તો ડીઝલનો ભાવ ૨૨ પૈસા વધ્યો હતો. ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૧.૨૮ અને ડીઝલનો ભાવ ૭૩.૩૦ રૂ. હતો તો મુંબઈમાં ભાવ ૮૮.૬૭ અને ડીઝલનો ભાવ ૭૭.૮૨ હતો. દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શિખર પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનાથી બન્નેના ભાવ એકધારા વધી રહ્યા છે. ક્રૂડના ભાવમાં વધારો અને ડોલર સામે રૂપિયો ઘટતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ રહ્યા છે. ક્રૂડનો ભાવ હાલ ૭૯ ડોલર પ્રતિ બેરલ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિપક્ષો મોદી સરકારને આડે હાથ લઈ રહ્યા છે આ દરમિયાન પીએમ મોદીએ ગઈકાલે નાણામંત્રી જેટલી અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આર્થિક સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે પણ તેઓ સમીક્ષા બેઠક યોજી રહ્યા છે. જેમાં રૂપિયાને તૂટતો અટકાવવા અને ઈંધણના ભાવની તેજી રોકવાના ઉપાયો પર ચર્ચા થશે. આજની બેઠકમાં જેટલી ઉપરાંત નીતિ આયોગન ઉપાધ્યક્ષ, પીએમના આર્થિક સલાહકાર, નાણા સચિવ હસમુખ અઢીયા સહિતના ટોચના અધિકારીઓ ભાગ લેશે.(૨-૩)

(11:59 am IST)