Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, મોસ્ટ વોન્ટેડ સહિત :પ આતંકીઓનો ખાતમો

૩ દિ' માં ૧૫ ત્રાસવાદીઓનો ઢાળીયોઃ જમ્મુ અને કાશ્મીરના કુલગામના કાઝીગુંડમાં આજે સવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.

શ્રીનગર, તા.૧૫: જમ્મુ અને કાશ્મીરના કુલગામના કાઝીગુંડમાં આજે સવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. વહેલી સવારથી થઈ રહેલી આ અથડામણમાં ૪ આતંકીઓનો ખાતમો કરી દેવાયો છે. જયારે એક આતંકવાદી સાથે હજુ અથડામણ ચાલુ છે. કહેવાય છે કે શુક્રવાર મોડી રાતે સેનાને કાઝીગુંડના એક દ્યરમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું. અથડામણ દરમિાયન સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગુલઝાર પૈડરને ઠાર કર્યો. ઘટનાસ્થળ પર જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો હાજર છે.

હિજબુલ અને લશ્કરના છે આતંકીઓ

સુરક્ષાદળોએ  ઘેરી લેતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ, જેનો જવાનોએ બરાબર જવાબ આપ્યો અને ૪ આતંકીઓ ઠાર કર્યાં. માર્યા ગયેલા ચારેય આતંકીઓ હિજબુલ અને લશ્કરના કહેવામાં આવી રહ્યાં છે.

ટ્રેન સેવાઓ સસ્પેન્ડ

સેના અને આતંકવાદીઓ વચ્ચેની આ અથડામણની અસર ટ્રેનોની અવરજવર પર પડી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા અધિકૃત રીતે  કહેવાયું છે કે બારામુલા-કાઝીગુંડ વચ્ચેની ટ્રેન સેવા હાલ સસ્પેન્ડ કરાઈ છે. આ દરમિયાન કોઈ ટ્રેન કાઝીગુંડ કે બારામુલા જશે નહીં.

બે જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણના કારણે કુલગામ અને અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવાઈ છે.

ઉધમપુર જિલ્લામાં ૩ આતંકીઓનો થયો હતો ખાતમો

ઉધમપુર જિલ્લામાં બુધવારે સીઆરપીએફના એક જવાન અને ફોરેસ્ટ ગાર્ડ પર આતંકીઓએ  હુમલો કર્યો હતો. આતંકીઓ હુમલો કર્યા બાદ કકરિયાલના જંગલોમાં ભાગી ગયા હતાં. સેના દ્વારા ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ગુરુવારે ૩ આતંકીઓ માર્યા ગયા હતાં. આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ૧૨ જવાનો ઘાયલ પણ થયા હતાં. ઘાયલોમાં એક પોલીસ અધિકારી પણ સામેલ હતા.(૨૨.૧૦)

 

 

(11:59 am IST)