Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વિજય માલ્યા મામલે કોઇ જ ઉદાસીનતા રખાઈ નથી

વિજય માલ્યા પ્રશ્ને એસબીઆઈ દ્વારા સ્પષ્ટતા : કિંગફિશર સાથે જોડાયેલા લોન ડિફોલ્ટ કેસમાં પણ સ્પષ્ટ સૂચના અન્ય બેંકોને આપી હતી : એસબીઆઈનો ખુલાસો

નવી દિલ્હી, તા. ૧૪ : શરાબ કારોબારી વિજય માલ્યાના હાલના નિવેદન ઉપર જોરદાર વિવાદ વચ્ચે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કિંગફિશર સાથે જોડાયેલા લોન ડિફોલ્ટ કેસમાં તેમના તરફથી કોઇપણ ઉદાસીનતા રાખવામાં આવી નથી. હકીકતમાં માલ્યાએ થોડાક સમય પહેલા એક પત્ર લખ્યો હતો જેમાં માલ્યાએ લોન આપવાના મામલામાં બેંકોને પણ દોષિત ઠેરવી હતી. બેંકના નિવેદન બાદથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, એસબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૧૬માં બાકી તમામ બેંકોને સલાહ આપી હતી કે, તેઓ માલ્યાને દેશ છોડતા પહેલા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તે જરૂરી છે પરંતુ તે વખતે બેંકોએ એસબીઆઈની વાત સાંભળી ન હતી. જે બેંકો પાસેથી માલ્યાએ લોન લીધી હતી તે તમામ બેંકોને એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં જવા સ્પષ્ટ સૂચના આપી હતી પરંતુ તેની માંગ તરફ ધ્યાન ન અપાતા બીજી માર્ચ ૨૦૧૬ના દિવસે માલ્યા ભારતથી ફરાર થઇ ગયા હતા. ચાર દિવસ બાદ ૧૩ બેંકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં એસબીઆઈએ કહ્યું છે કે, અમારી તરફથી લોન ડિફોલ્ટના મામલામાં કોઇ ઉદાસીનતા દર્શાવવામાં આવી ન હતી. કિંગફિશર એરલાઈન્સના મામલામાં પણ કઠોર વલણ અપનાવવામાં આવ્યું હતું. માલ્યા પર ૧૩થી વધુ બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું રહેલું છે. આ લોનમાં સૌથી વધારે પૈસા એસબીઆઈ પાસેથી લેવામાં આવ્યા છે. આ પહેલા માલ્યાએ પત્ર લખીને પોતાનો બચાવ કર્યો હતો. માલ્યાએ કહ્યું હતું કે, એસબીઆઈ અને અન્ય બેંકોને તેમની કંપનીની સ્થિતિ અંગે અંદાજ હતો છતાં લોન આપવામાં આવી હતી. બેંક કૌભાંડોના પોસ્ટર બોય તરીકે તેમને રજૂ કરવામાં આવ્યા છે પરંતુ બેંક પણ આના માટે જવાદાર છે. માલ્યાને લઇને હાલ જોરદાર ખેંચતાણ ચાલી રહી છે.

(7:29 pm IST)