Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

દહેજ મામલે હવે પતિની થશે તુરંત ધરપકડ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો : પતિ અને પરિવારને મળતુ સેફગાર્ડ હવે સમાપ્ત : સુપ્રિમ કોર્ટે ૪૯૮એ અંગે પોતાનો અગાઉનો ફેંસલો બદલાવ્યો : પોલીસ પાસે પીડિતાના પતિ - પરિવારની ધરપકડનો માર્ગ ખુલ્યો : દહેજ લેનારાની હવે ખેર નથી

નવી દિલ્હી તા. ૧૪ : દહેજ સતામણી મામલે પતિ અને તેમના પરિવારને મળેલું સેફગાર્ડ હવે ખત્મ થયું છે. સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયમાં ફેરફાર કરીને પતિની ધરપકડનો રસ્તો પણ સાફ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફરિયાદોના ઉકેલ માટે પરિવાર કલ્યાણ કમિટિની જરૂરીયાત નથી. આ મામલે આરોપીઓની તાત્કાલિક ધરપકડ પર લગાવેલી રોકને હટાવીને સુપ્રીમે કહ્યું કે, પીડીતની સુરક્ષા માટે આવું કરવું જરૂરી છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, આરોપીઓ માટે આગોતરા જામીનનો વિકલ્પ ખુલ્લો છે.

દહેજ સતામણી કેસો (૪૯૮એ)માં તરત ધરપકડ પર રોક માટે દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ૩ જજોની પેનલે જૂના ચુકાદામાં સંશોધન કરતા કહ્યું છે કે મામલાની ફરિયાદની તપાસ માટે કમિટીની જરૂર નથી. પોલીસને જો જરૂરી લાગે તો તે આરોપીની ધરપકડ કરી શકે છે.ઙ્ગ

કોર્ટે કહ્યું કે આરોપી માટે આગોતરા જામીનનો વિકલ્પ ખુલ્લો છે. કોર્ટે આરોપીઓની ધરપકડ પર લાગેલી રોક હટાવતા કહ્યું કે વિકિટમ પ્રોટેકશન માટે આમ કરવું જરૂરી છે. હકીકતમાં ચાલુ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.ઙ્ગ

ગત વર્ષ ૨૭ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના બે જજોની બેંચે પોતાના જૂના ચુકાદામાં કહ્યું હતું કે આઈપીસીની કલમ ૪૯૮એ એટલે કે દહેજ સતામણી મામલે ધરપકડ સીધી થશે નહીં. સુપ્રીમે કહ્યું છે કે દહેજ સતામણીના મામલાને જોવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિ બનાવવામાં આવે જે ફરિયાદના પહેલુઓ પર તપાસ કરે અને સમિતિના રિપોર્ટ આવ્યા બાદ જ જરૂરી હોય તો ધરપકડ થવી જોઈએ, તેના પહેલા નહીં.ઙ્ગ

હકીકતમાં જુલાઈ ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આદર્શકુમાર ગોયલ અને જસ્ટિસ યૂ યૂ લલિતની બે જજોની બેન્ચે મહિલાઓ માટે બનેલા કાયદાના દુરઉપયોગના મામલાને લઈને મહત્વના નિર્દેશ જારી કર્યા હતાં. કોર્ટે દહેજ સતામણી કાયદાના દુરઉપયોગની ફરિયાદોને ધ્યાનમાં લેતા આવા મામલાઓમાં તત્કાળ ધરપકડ પર રોક લગાવી હતી. તે મુજબ દહેજ સતામણીના મામલાઓમાં હવે પતિ કે સાસરિયાઓની તરત ધરપકડ થઈ શકે નહીં. દહેજ સતામણી એટલે ઙ્ગકે આઈપીસીની કલમ ૪૯૮-એના દુરઉપયોગથી ચિંતિત સુપ્રીમ કોર્ટે મહત્વનું પગલું ભરતા તે અંગે કેટલાક દિશા નિર્દેશ જારી કર્યા હતાં.

કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે ૪૯૮-એ ના મર્યાદાઓને હળવી કરવી એ મહિલાઓને કાયદા હેઠળ મળેલા અધિકારોની વિરુદ્ઘ જાય છે. કોર્ટે આ મામલે એડવોકેટ વી શેખરને કોર્ટના સલાહકાર ઙ્ગબનાવ્યાં હતાં. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે વૈવાહિક વિવાદ સંબંધિત તથ્યોને જોવા માટે નથી પરંતુ અમારે એ જોવાનું છે કે સિસ્ટમમાં જે ગેપ છે તેને આદેશ દ્વારા ભરવામાં આવે. અમારે એ જોવાનું છે કે શું ગાઈડલાઈન્સ જારી કરીને કાયદાના ગેપને ભરવામાં આવ્યો છે? શું કલમ ૧૪૨નો ઉપયોગ કરીને ચુકાદો આપવો યોગ્ય હતો? આ સાથે જ એ જોવું જરૂરી છે કે આ આદેશથી શું કાયદો નબળો પડ્યો છે? સરકારનું કહેવું હતું કે ગત વર્ષનો ચુકાદો વ્યવહારિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી. આમ આ રીતે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે તે અંગે ચુકાદો આપવામાં આવ્યો.

(3:36 pm IST)