Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હવે અમેરિકાના વિઝા મેળવવામાં નવું વિઘ્ન : વિઝા અરજીમાં ભૂલ હશે તો સુધારવાની તક આપ્યા વિના નકારી કઢાશે : 12 સપ્ટે.થી અમલ

વોશિંગટન : અમેરિકાના વિઝા મેળવવાની પ્રક્રિયા હવે વધુ જટિલ બની છે.જે મુજબ વિઝા અરજીમાં ભૂલ હશે તો સુધારવાની તક આપ્યા વિના અરજી રદ કરી દેવાશે. નવી નીતિ દાખલ થયાની તારીખ 12 સપ્ટે બાદ કરાયેલી તમામ અરજી, પિટિશનને આ નવો નિયમ લાગુ પડશે. અમે અમારા કાયદાની સુરક્ષા માટે નીતિમાં બદલાવ કરી રહ્યા છીએ. અમે નકામી અરજીઓને અટકાવીને કાયદાને આધીન રહેતા અરજકર્તાઓને સુનિશ્ચિત કરવા માગીએ છીએ.તેવું એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું.

અમેરિકી ઇમિગ્રેશન વિભાગે જૂન મહિનામાં જણાવ્યું હતું કે નવો નિયમ અધૂરી અરજીઓ, પોતાનું સ્થાન મેળવવા માટેના ઇરાદાથી કરાયેલી અરજીઓ અટકાવવા માટે પણ લાગુ કરાયો છે. અમે નિર્દોષ ભૂલો માટે અરજકર્તાઓને સજા કરવા માગતા નથી.

નવા નિયમથી એચવન-બી વિઝા અથવા ટૂંકા ગાળાના નોનઇમિગ્રન્ટ વિઝા મેળવવા ઇચ્છતા ભારતીય વ્યાવસાયિકોને અસર થશે, તે ઉપરાંત અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીનકાર્ડ અને સિટીઝનશિપ માટે અરજી કરતા ભારતીયો પર પણ સીધી અસર થશે. દર વર્ષે ૯,૮૦૦ ભારતીયો કામકાજ સંબંધિત ગ્રીનકાર્ડ હાંસલ કરે છે. અમેરિકામાં દર વર્ષે વિઝા, ગ્રીનકાર્ડ અને સિટીઝનશિપ માટે લગભગ ૭૦ લાખ અરજીઓ થાય છે, જોકે ટૂંકા ગાળાના ટ્રાવેલવિઝા અથવા બિઝનેસવિઝા પર આ નિયમની નહિવત્ અસર થશે.

(11:54 am IST)