Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

કોહલી, રાહુલ ભારતીય ટીમમાં પરત ફરતા કેપ્ટન રોહિત શર્માની સામે મોટી સમસ્યા ઉભી થઈ : કોણ થશે ટિમમાથી “OUT” ?

દીપક હુડ્ડાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે : સૂર્યકુમાર યાદવે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું

નવી દિલ્લી તા.15: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. ટીમમાં વિરાટ કોહલી અને KL રાહુલની વાપસી થઈ છે. પરંતુ T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની એશિયા કપમાં એકદમ આકરી પરીક્ષા થવાની છે. કારણ કે, વિરાટ કોહલી અને KL રાહુલ પરત ફર્યા છે. હવે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા માટે કેપ્ટન રોહિત શર્મા કયા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવે છે, તે જોવાની વાત થશે.

વિરાટ કોહલી છેલ્લા ઘણા લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહ્યો છે. તેની બેટથી રન નથી બની રહ્યા. છેલ્લા ત્રણ વર્ષથી તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી નથી ફટકારી શક્યો. તેની બેટ શાંત છે. IPL 2022મા પણ તે પોતાના નામ મુજબ પ્રદર્શન નહીં કરી શક્યો હતો. હવે એશિયા કપમાં તેનું ત્રીજા નંબર પર ઉતરવાનું નક્કી છે. એવામાં દીપક હુડ્ડાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. કોહલી મોટી મેચોનો ખેલાડી છે. તેને લયમાં આવવા માટે ફક્ત એક ઇનિંગની જરૂરત છે.

KL રાહુલે IPL 2022 પછી જ ભારત માટે કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે રમતમાંથી બહાર ચાલી રહ્યો હતો. જ્યારે, એશિયા કપ અને T-20 વર્લ્ડ કપને જોતા KL રાહુલ ઝિમ્બાબ્વે પ્રવાસને લઈને પરત ફર્યો છે. એશિયા કપમાં તેનું રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવું નક્કી માનવામાં આવી રહ્યું છે. KL રાહુલની ગેરહાજરીમાં રોહિત શર્માની સાથે રિષભ પંત અને સૂર્યકુમાર યાદવે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી.

મિડલ ઓર્ડરમાં નંબર ચાર પર સૂર્યકુમાર યાદવે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જ્યારે, સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ભારત માટે એક્સ ફેક્ટર છે. હવે દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યામાંથી એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. જો કે, બંને ખેલાડીઓ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ત્યારે જો કેપ્ટન, રોહિત કાર્તિક અને હાર્દિક પંડ્યા બન્નેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપે છે, તો રવિન્દ્ર જાડેજાએ બહાર બેસવું પડી શકે છે. એવામાં KL રાહુલ અને વિરાટ કોહલી ટીમમાં પરત ફરતા ટીમની સામે યોગ્ય કોમ્બિનેશન શોધવા માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે.

(11:57 pm IST)