Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ : શિવમોગામાં તણાવ બાદ કાલે શાળા-કોલેજ રહેશે બંધ: 18 ઓગસ્ટ સુધી કફર્યુ

કર્ણાટકના શિવમોગામાં સ્થાનિક અમીર અહેમદ સર્કલ પર હિંદુત્વના પ્રતિક વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક ટીપુ સુલતાનના પોસ્ટરો લગાવવાને લઈને બે જૂથો વચ્ચે વિવાદને કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો

કર્ણાટકના શિવમોગામાં સ્થાનિક અમીર અહેમદ સર્કલ પર હિંદુત્વના પ્રતિક વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક ટીપુ સુલતાનના પોસ્ટરો લગાવવાને લઈને બે જૂથો વચ્ચે થયેલા વિવાદને કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. જેને કારણે અધિકારીઓને કર્ફ્યુ લાગુ કરવાની ફરજ પડી હતી.  જયારે શિવમોગા ડીસી આર સેલ્વમણીએ પણ મંગળવારે શિવમોગા શહેર અને ભદ્રાવતી શહેરની સીમામાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે આ બંને જગ્યાએ 18 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લાગુ રહેશે. માહિતી આપતાં તેમણે કહ્યું કે હાલમાં તણાવ બાદ સ્થિતિ નિયંત્રણમાં છે.

 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, એક જૂથે અમીર અહેમદ સર્કલ પર ઇલેક્ટ્રિક પોલની ટોચ પર સાવરકરનું પોસ્ટર બાંધવાનો પ્રયાસ કર્યો હતો, જેનો બીજા જૂથે વિરોધ કર્યો હતો. બીજું જૂથ ત્યાં ટીપુ સુલતાનનું પોસ્ટર લગાવવા માંગતું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા પોસ્ટરને બદલવા અથવા નુકસાન પહોંચાડવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી કારણ કે બંને બાજુના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અધિકારીઓએ તે જગ્યાએ રાષ્ટ્રીય તિરંગો લગાવ્યો છે જ્યાં બંને જૂથો પોસ્ટર લગાવવા માંગતા હતા. ભારતીય જનતા પાર્ટી અને અન્ય હિંદુ જૂથોએ વિરોધ કર્યો અને માંગણી કરી કે તેમને સાવરકરના પોસ્ટરો લગાવવાની છૂટ આપવામાં આવે અને તેમના આદર્શનું અપમાન કરવા બદલ અન્ય જૂથ સામે કાર્યવાહી કરવામાં આવે. સત્તાવાળાઓએ આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા છે અને સમગ્ર શહેરમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાગુ કરવાનો દાવો કર્યો છે.

(10:38 pm IST)