Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનાં ભાજપ પર આકરા પ્રહાર : કહ્યું – “ભાજપ વિભાજન વિભીષિકા દિવસ મનાવે છે”

ભાજપ ગાંધી અને નહેરુને વિભાજનના જવાબદાર ગણાવે છે. અસલમાં દેશના વિભાજન માટે સાવરકર અને ઝીણા જવાબદાર : ભૂપેશ બઘેલ

રાયપુર તા.15 : આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે ભાજપ ‘ઘર-ઘર તિરંગા અભિયાન’ ચલાવી રહી છે. તે ત્રિરંગાને ગૌરવનું પ્રતીક ગણાવી રહી છે. બીજી તરફ, છત્તીસગઢ કોંગ્રેસ રાજ્યમાં ‘હમાર તિરંગા હમાર અભિમાન’ અને ‘ગૌરવ યાત્રા’ કાઢીને સ્વતંત્રતા ચળવળમાં કોંગ્રેસના નેતાઓના બલિદાનને યાદ કરી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રવિવારે દુર્ગ જિલ્લાના પાટણ ખાતે ગૌરવ યાત્રા દરમિયાન RSS અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે, ભાજપ વિભાજન વિભીષિકા દિવસ મનાવે છે. ગાંધી અને નહેરુને વિભાજનના જવાબદાર ગણાવે છે. અસલમાં દેશના વિભાજન માટે સાવરકર અને ઝીણા જવાબદાર છે. સન 1925માં આરએસએસની રચના થઈ હતી. સન 1942માં મુંબઈની ગોવાલિયા ટેન્કથી ભારત છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ પંક્તિના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આરએસએસના શ્યામાપ્રસાદ મુખર્જીથી લઈને ગોલવલકર સુધીના તમામ નેતા ભારત છોડો આંદોલનને કેવી રીતે કચડી શકાય તેના માટે અંગ્રેજોને સલાહ આપી રહ્યા હતા. તેઓ જાસૂસી કરી રહ્યા હતા. સાલ 1925માં હિંદુ મહાસભાના અધ્યક્ષીય ભાષણમાં સાવરકરે બે રાષ્ટ્રની વાત કરી હતી. એક રાષ્ટ્ર હિંદુઓ માટે અને બીજુ મુસ્લિમો માટે. મોહમ્મદ અલી ઝીણાએ 1937માં બે રાષ્ટ્રની વાત કરી. દેશના વિભાજન માટે સાવરકર અને ઝીણા જવાબદાર છે.

(7:59 pm IST)