Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ઉપરવાસમાં આવેલા બે ડૅમમાંથી પાણી છોડાતાં સરદાર સરોવર ડૅમમાં સતત પાણીની આવ વધતા ત્રણ દિવસની અંદર તબક્કાવાર એક પછી એક ૨૩ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ સરદાર સરોવરમાં ૨,૧૩,૫૩૫ ક્યુસેક પાણીનો ઇનફ્લો હતો, જ્યારે આઉટફ્લો ૧,૫૨,૪૪૦ ક્યુસેક હતો. ડૅમમાં પાણીની સપાટી ૧૩૫.૧૧ મીટરે પહોંચી હતી.

ઉપરવાસમાં આવેલા બે ડૅમમાંથી પાણી છોડાતાં ગુજરાતની જીવાદોરીસમાન સરદાર સરોવર ડૅમમાં સતત પાણીની આવક થતાં છેલ્લા ત્રણ દિવસમાં સરદાર સરોવરના તબક્કાવાર એક પછી એક ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈ કાલે સાંજની સ્થિતિએ નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતાં ડૅમના ૨૩ દરવાજામાંથી છૂટતા પાણીના ધોધનો નયનરમ્ય નજારો નિહાળવા સહેલાણીઓની ભીડ થવા પામી હતી.

નર્મદા ફ્લડ સેલમાંથી 'મિડ-ડે'ને મળેલી માહિતી મુજબ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ સરદાર સરોવરમાં ૨,૧૩,૫૩૫ ક્યુસેક પાણીનો ઇનફ્લો હતો, જ્યારે આઉટફ્લો ૧,૫૨,૪૪૦ ક્યુસેક હતો. ડૅમમાં પાણીની સપાટી ૧૩૫.૧૧ મીટરે પહોંચી હતી.

સરદાર સરોવર ડૅમના ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં સરદાર સરોવર ડૅમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે આવેલા સરદાર સરોવર ડૅમમાં પાણીની નોંધપાત્ર આવકના પગલે ડેમ ૮૭.૯૫ ટકા ભરાયેલો છે.

ઉલ્લેખનીય છે કે ૧૨ ઑગસ્ટે સરદાર સરોવર ડૅમના કેટલાક દરવાજા ખોલીને ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. ૧૩ ઑગસ્ટે સવારે પાંચમાંથી બે દરવાજા બંધ કરાયા હતા. જોકે રાત્રે ડૅમમાં પાણીની આવકમાં વધારો થતાં રાત્રે ૮ વાગ્યે ડૅમના બીજા સાત દરવાજા ૪૦ સે.મી. ખોલીને કુલ ૧૦ દરવાજામાંથી સરેરાશ ૩૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યાના સુમારે બીજા વધુ પાંચ દરવાજા ૬૦ સે.મી. ખોલાયા હતા તે પછી બપોરે બે વાગ્યે બીજા વધુ ૮ દરવાજા ખોલવા સાથે કુલ મળીને ૨૩ દરવાજા ૫૦ સે.મી. ખોલીને તે સમયે આશરે સરેરાશ ૮૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. સાંજે ૪ વાગ્યે ૨૩ દરવાજા ૬૦ સે.મી. ખોલાયા હતા અને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં નર્મદા, વડોદરા જિલ્લા સહિત નર્મદા કાંઠાવિસ્તારનું વહીવટી તંત્ર ઍકશનમાં આવી ગયું હતું. તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પૂરતી તકેદારી રાખવા માટે સૂચનાઓ અપાઈ હતી અને ૩૬ ગામોને અલર્ટ કરાયાં હતાં.

શનિ-રવિની રજાના કારણે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામા ઊમટ્યા હતા. દરમ્યાન ડૅમના ૨૩ દરવાજા ખોલાતાં તેમાંથી જોરશોરથી વહેતાં નર્મદાનાં નીરને જોવા માટે સહેલાણીઓનો ધસારો થયો હતો.

(12:24 pm IST)