Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

નરેન્દ્રભાઇએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રિય ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન યોજનાની જાહેરાત  કરી છે અને કહ્યું કે, તેના માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. ૭૪માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે, દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત છે.

તેમણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની જરૂરીયાત રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન યોજનાથી પૂરી થશે. જુદા જુદા ક્ષેત્રોની લગભગ સાત હજાર યોજના પણ ચિહ્રિનત કરવામાં આવી છે. આ એક રીતથી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં નવી ક્રાંતિ સર્જાશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાત ઘટાડવાનો જ નહીં પરંતુ પોતાની ક્ષમતા, પોતાની રચનાત્મકતા, પોતાનું કૌશલને વધારવાનો પણ છે. થોડા સમય પહેલા સુધી N-95 માસ્ક, પીપીઇ કીટ અને વેન્ટિલેટર વિદેશોથી મંગાવવા પડતા હતા પરંતુ આજે આ તમામ વસ્તુઓ ભારત ના માત્ર પોતાની જરૂરીયાતો પૂર્ણ કરે છે પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યું છે.

તેમણે કહ્યું કે, ગત વર્ષ ભારતમાં પ્રત્યેક્ષ વિદેશ રોકાણ (FDI)એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં ૧૮ ટકાનો વધારો થયો છે. આજે વિશ્વની ઘણી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મેક ફોર વર્લ્ડના મંત્રને લઇને આગળ વધાવનું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભારતીયોએ આત્મનિર્ભર થવાનો સંકલ્પ લીધો છે અને આ માત્ર શબ્દ નહીં પરંતુ તમામ લોકો માટે મંત્ર છે.

(2:01 pm IST)