Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

બાટલા હાઉસને રજૂ કરવા માટે કોર્ટની લીલીઝંડી મળી

ફિલ્મને સ્વતંત્રતા દિવસે રજૂ કરવા માટે તૈયારી : આરોપીઓ દ્વારા ફિલ્મને લઇને વાંધો ઉઠાવાયો : રિપોર્ટ

મુંબઇ,તા. ૧૪ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે એક્શન  ફિલ્મ બાટલા હાઉસ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે. ફિલ્મ બાટલા હાઉસને રજૂ કરવા માટે દિલ્હી હાઇકોર્ટે મંજુરી આપી દીધી છે. ફિલ્મમાં જહોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મની પટકથાને લઇને વિવાદ થયો હતો. ફિલ્મનો વિવાદ આખરે કોર્ટમાં પહોંચી ગયો હતો. નિર્દેશક દ્વારા ત્રાસવાદના આરોપીઓની સામે કરવામાં આવેલી કોર્ટ કાર્યવાહીને ખુબ સંતુલિત રીતે રજૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે ફિલ્મની રજૂઆતને લીલીઝંડી આપી હતી.

      આની સાથ જ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે કે કેમ તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો હતો. કોર્ટે આ ફિલ્મની રજૂઆતને એ વખતે મંજુરી આપી છે જ્યારે ફિલ્મ નિર્માતા અને એન્કાઉન્ટર કેસમાં આરોપી ફિલ્મના કેટલાક સીનને બદલી નાંખવા માટે સહમત થયા છે. બંને પાર્ટીઓની મંજુરી અને સહમતિ બાદ જસ્ટીસ વિભુ બખરુએ કહ્યુ છે કે ફિલ્મના નિર્માતાઓ પોતાના નિવેદનની સાથે હાથ બંધાયેલા હોવાની વાત કરી છે. બાટલા હાઉસ કેસમાં આતંકના આરોપી અરીજ ખાનની અપીલ પર કેસનો ઉકેલ લાવવામાં આવ્યો છે. અરીજ ખાને અપીલ કરી હતી કે આ ફિલ્મની રજૂઆતને રોકી દેવામાં આવે તે જરૂરી છે. કારણ કે ફિલ્મની રજૂઆત બાદ ટ્રાયલને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આવી જ અપીલબાટલા હાઉસના મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા શહજાદ અહેમદ દ્વારા કરવામાં આવી હતી. તેની અરજી હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બંને આરોપી વર્ષ ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં પણ કેસનો સામનો કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા કેટલાક સુચનો ફિલ્મ દરમિયાન દર્શાવનાર છે.

આ સીન પર શહેજાદ અને અરીજ ખાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે આ બંનેને બોંબ બનાવતા અને પોલીસની સામે આરોપોની કબુલાત કરતા દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં એક શબ્દ મુજાહિદને પણ મ્યુટ કરવામાં આવનાર છે. જેમાં સુચના આપવામાં આવશે કે નિર્માતા કોઇ પણ પક્ષની તરફેણ કરતા નથી.અત્રે નોંધનીય છે કે, ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જામિયાનગરના બાટલા હાઉસમાં એન્કાઉન્ટર થયું હતું. એ દિવસે ઇમારતમાં ઉપસ્થિત લોકો ૧૩મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં સામેલ હતા.

(12:00 am IST)