Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હવે સાડી ખરીદવા પણ આધારકાર્ડ બતાવવું પડે તેવી સ્થિતિ :કર્ણાટકમાં કિંમતી સાડીનું લાગ્યું સેલ

સેલમાં સાડી ખરીદવી હોય તેને આધાર કાર્ડ લઈને આવવું ફરજિયાત ;ઓનલાઇન પણ ઉપલબ્ધ

બેંગ્લુરુ :આપણે બેંક અકાઉન્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા વિશે સાંભળ્યું હશે આઈટી રિટર્ન ભરવા પણ આધાર કાર્ડ નંબર આપવો પડે છે. હવે દેશમાં એક જગ્યાએ તો તમારે સાડી ખરીદવી હોય તો તેના માટે પણ આધાર કાર્ડ બતાવવું પડે છે.

  જોકે, જે સાડી માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે તે ઘણી કિંમતી છે, અને તેની કિંમત સાંભળીને તો સામાન્ય માણસને કદાચ ચક્કર જ આવી જાય. આ સાડી માત્ર કર્ણાટકમાં જ મળે છે, અને તેને કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા બનાવાય છે. 

   આ સાડીની કિંમત 50 કે 60 હજાર રુપિયાથી પણ વધુ હોઈ શકે છે. જોકે, 15 ઓગસ્ટ અને 24 ઓગસ્ટના રોજ આ સાડીઓનો સેલ હોય છે. જે મહિલાઓ મૈસૂર સિલ્ક સાડીની ખૂબ જ શોખીન હોય, પરંતુ તેને ખરીદી શકે તેમ ન હોય તેમના માટે ખાસ આ સેલ યોજાય છે. 

   વર્ષમાં બે દિવસ થતા આ સેલમાં સાત હજાર રુપિયા સુધીની કિંમતની સાડી 4000 રુપિયામાં વેચવામાં આવે છે. જ્યારે કર્ણાટકના તહેવાર વરમહાલક્ષ્મી (24 ઓગસ્ટ)ના દિવસે 15,000 રુપિયા સુધીની કિંમત ધરાવતી આ સાડી 4000 રુપિયામાં વેચવામાં આવે છે. આ સેલમાં જેને પણ સાડી ખરીદવી હોય તેને પોતાની સાથે આધાર કાર્ડ પણ લઈને આવવું ફરજિયાત છે. 

    જો તમારે જેન્યુઈન મૈસૂર સિલ્ક સાડી ખરીદવી હોય તો કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની વેબસાઈટ http://www.ksicsilk.com/ પરથી પણ આ સાડીઓ ખરીદી શકો છો. તમે જોઈ શકશો કે અહીં કેટલીક સાડીઓની કિંમત તો 60,000 રુપિયા કરતા પણ વધારે છે.

(12:00 am IST)