Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઇટાલીમાં ભારે વરસાદને કારણે મોટો પુલ તૂટી પડ્યો :10ના મોત :અનેક વાહનો 100 મીટર ઉંચેથી ખાબક્યા

પુલનો વચ્ચેનો ભાગ તૂટીને રેલવે ટ્રેક પર પડ્યો : પોલ્સવરાની ઉપર બંધાયેલ આ મોરાન્ડી બ્રિજનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું.

ઈટાલીના જિયોના શહેરમાં ભારે વરસાદને કારણે એક મોટો બ્રિજ તૂટી પડ્યો છે પુલ તૂટી પડતા અનેક વાહન 100 મીટર (328 ફૂટ) નીચે ખાબક્યાં છે.ઇટાલીના ટ્રાન્સપૉર્ટ પ્રધાન ડેનિલો ટોનિનેલિના કહેવા પ્રમાણે, આ એક 'ભયાનક દુર્ઘટના' હોવાનું જણાય છે.

   દરમિયાન પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, કમસેકમ દસ લોકોનાં મૃત્યુ થયાં છે.સ્થાનિક સમાચાર સંસ્થા એડનક્રોનોસે સ્થાનિક ઍમ્બ્યુલન્સ સેવાના વડાને ટાંકતા જણાવ્યું છે કે 'ડઝનબંધ લોકોનાં મૃત્યુ' થયા છે.

    ઘટનાસ્થળની તસવીરોમાં જોઈ શકાય છે કે પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો, જે નીચેથી પસાર થતાં રેલવે ટ્રેક પર પડ્યો હતો.આ સાથે અનેક કાર તથા ટ્રક પણ નીચે પટકાયા હતા, અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે એક ટ્રક બ્રીજના છેડા પર છે.જો તે સહેજ આગળ વધી હોત તો તે પણ નીચે પટકાઈ હોત.

  સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પુલનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું.પોલ્સવરાની ઉપર બાંધવામાં આવેલો આ બ્રિજ મોરાન્ડી બ્રિજ તરીકે ઓળખાય છે.

   ઇટાલિયન અખબાર 'લા રિપબ્લિકા'ના કહેવા પ્રમાણે, આ શહેર 'ખૂબ જ ગીચ' શહેર છે.ભારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ તથા તેને ટેકો આપી રહેલું માળખું તૂટી ગયું હતું.

(9:57 am IST)