Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રૂપિયામાં નોંધનીય ઘટાડાની વચ્ચે WPI ફુગાવો ઘટીને ૫.૦૯ ટકા

જૂનમાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટાડો : રૂપિયાને લઇને મુશ્કેલીમાં મુકાયેલી કેન્દ્ર સરકારને મોંઘવારીના મોરચે રાહત મળી : ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, ફળફળાદી અને શાકભાજીની કિંમતમાં ઘટાડો

નવી દિલ્હી,તા. ૧૪ : રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના દોર વચ્ચે મુશ્કેલમાં મુકાયેલી સરકારને આજે મોંઘવારીના મોરચે મોટી રાહત મળી હતી. કારણ કે, હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઘટીને જુલાઈ મહિનામાં ૫.૦૯ ટકા થઇ ગયો છે જે જુન મહિનામાં ૫.૭૭ ટકા હતો. સરકારી આંકડાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, ફળફળાદી અને શાકભાજીની કિંમતમાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જુન મહિનામાં ખુબ વધારે હતો જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ફુગાવાના આંકડો ૧.૮૮ ટકા રહ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્યાન્ન ક્ષેત્રમાં ફુગાવાનો આંકડો જુલાઈ મહિનામાં શૂન્યથી ૨.૧૬ ટકા નીચે રહ્યો છે જ્યારે જૂન મહિનામાં તેમાં ૧.૮૦ ટકાનો વધારો નોંધાયો હતો. આવી જ રીતે શાકભાજીના હોલસેલ ફુગાવામાં જુલાઈ મહિનામાં ૧૪.૦૭ ટકાનો ઘટાડો થયો છે જ્યારે જૂન મહિનામાં ૮.૧૨ ટકાનો વધારો નોંધાયો હતો. ફળફળાદીમાં હોલસેલ ભાવ જુલાઈ મહિનામાં ૮.૮૧ ટકા ઘટ્યા છે અને જૂન મહિનામાં ૩.૮૭ ટકા વધ્યા હતા. કઠોળની કેટેગરીમાં હોલસેલ મોંઘવારીનો દર શૂન્યથી ૧૭.૦૩ ટકા નીચે રહ્યો છે જ્યારે જૂન મહિનામાં તે શૂન્યથી ૨૦.૨૩ ટકા નીચે રહ્યો હતો. આજે જારી કરવામાં આવેલા આંકડા સરકાર માટે ખુબ જ આશાસ્પદ રહ્યા છે. ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે. ડબલ્યુપીઆઈ આંકડા પહેલા રિટેલ ફુગાવાના આંકડા સોમવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) પર આધારિત ફુગાવાનો આંકડો આ વખતે ૪.૨ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૪.૯ ટકા હતો. ગ્રામીણ ફુગાવો જુલાઈ મહિનામાં ૪.૧ ટકા જ્યારે શહેરી ફુગાવો ૪.૩ ટકા રહ્યો હતો. રિટેલ અને હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો છેલ્લા થોડાક મહિનામાં ઉથલપાથલવાળો રહ્યો છે. કારણ કે ફુગાવાના દબાણ ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા બે વખત વ્યાજદરમાં વધારો કરાયો છે. સીપીઆઈ ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, શાકભાજીની કિંમત વાર્ષિક ૨.૨ ટકા ઘટી છે.

(12:00 am IST)