Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

દેશના ૧૧ રાજ્યોમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભા માટે વોટીંગ કરાવવાના વિચાર ઉપર ચૂંટણી પંચે અસમર્થતા બતાવીઃ પુરતા પ્રમાણમાં વીવીપેટ મશીનો ન હોવાથી મુશ્કેલીઃ મુખ્‍ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત

નવી દિલ્હીઃ દેશના 11 રાજ્યોમાં 2019ની લોકસભાની ચુંટણી સાથે વિધાનસભા માટે વોટિંગ કરાવવાના વિચાર પર ચુંટણી પંચે અસમર્થતા બતાવી છે. મુખ્ય ચુંટણી કમિશનર ઓપી રાવતને મંગળવારે આ વિશે વાત કરવામાં આવી તો તેમણે સ્પષ્ટ કહ્યું કે આટલી બધી ચુંટણીમાં એકસાથે વોટિંગ કરાવવા માટે અમારી પાસે પુરતા પ્રમાણમાં વીવીપેટ મશીનો નથી.

 

ઓપી રાવતે કહ્યું હતું કે 2019માં લોકસભા સાથે જ 11 રાજ્યોની વિધાનસભાની ચુંટણી કરાવવા માટે અમારી પાસે પુરતા પ્રમાણમાં વીવીપેટ મશીનો નથી. જો આવો પ્રયત્ન કરવામાં આવે તો આ માટે નવા વીવીપેટ મશીનોનો ઓર્ડર આપવો પડશે અને આ વિષે એક-બે મહિનામાં નિર્ણય લેવો પડશે.
ચુંટણી પંચના કાનુની સલાહકાર એસકે મેંદીરત્વાએ વીવીપેટ મશીનો ઓછો હોવા તરફ ઇશારો કર્યો હતો. મેંદીરત્તાએ કહ્યું હતું કે ઇવીએમ અને વીવીપેટ મશીનો હાલની સંખ્યા જોવામાં આવે તો હાલ દેશભરમાં એકસાથે ચુંટણી કરાવી શકીએ નહીં. આ માટે જરૂરી મશીનોની ખરીદી માટે પંચને ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય લાગશે.
આ પહેલા ચુંટણી આયોગે દેશભરમાં એકસાથે ચુંટણી કરાવવાના સ્થાને એક વર્ષમાં આવનાર બધી વિધાનસભાની ચુંટણી એકસાથે કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
બીજી તરફ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લોકસભા અને વિધાનસભાની ચુંટણી એકસાથે કરાવવાનું સમર્થન કરતા ચુંટણી પંચને ચિઠ્ઠી લખી હતી. તેમણે લખ્યું હતું કે આનાથી ચુંટણીમાં થતા ઘણા ખર્ચ પર લગામ લાગશે અને દેશના સંઘીય સ્વરૂપને મજબુત બનાવવામાં મદદ મળશે. એકસાથે ચુંટણી કરાવવી ફક્ત પરિકલ્પના નથી પણ સિદ્ધાંત છે. જેને લાગુ કરી શકાય છે.

 

(9:59 am IST)