Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કેન્દ્રએ પેટ્રોલ-ડિઝલની કિંમતો વધારી ૨.૨૫ લાખ કરોડ કમાયા

રોજના ૭૩૦ કરોડની આવક થયાનો અંદાજ : ગત વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પેટ્રોલિયમ સેક્ટરથી ૫.૫ લાખ કરોડ રુપિયાની રેવન્યુ મળી હતી

નવી દિલ્હી, તા. ૧૫ : લોકડાઉન દરમિયાન સતત ૨૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો કરીને કેન્દ્ર સરકારે જનતા પાસેથી રૂપિયા ૨.૨૫ લાખ કરોડની જંગી કમાણી કરી લીધી છે. મજાની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યારે ઐતિહાસિક ઓછો ભાવ હતો ત્યારે જ  સરકારે આ વધારો લાગુ કર્યો હતો. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર સરકાર અને તેલ કંપનીઓને પ્રતિ દિવસ વધેલી કિંમતોથી ટેક્સથી ૭૩૦ કરોડ રુપિયાની વધારાની કમાણી થઈ રહી છે. આ રકમને વાર્ષિક રીતે જોડીને જોઈએ તો ૨.૨૫ લાખ કરોડ રુપિયા જેટલી થાય છે.

            જાણકારોના કહેવા અનુસાર ગત નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલિયમ સેક્ટરથી ૫.૫ લાખ કરોડ રુપિયાની રેવન્યુ મળી હતી. અર્થવ્યવસ્થાના જાણકારોનું કહેવું છે કે તેનાથી સરકારને કોરોના સંકટને પહોંચી વળવામાં મદદ મળશે અર્થાત સરકાર  આર્થિક રીતે સદ્ધર થશે. કેમ કે કોરોના સંકટ દરમિયાન સરકારને ટેક્સથી મળતી આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ ગરીબો માટે રાહતની જાહેરાતથી ખર્ચમાં વધારો થયો છે. સરકારે બજેટ સંતુલન બનાવવા માટે પેટ્રોલિયમથી મળતા આ વધારા ટેક્સનો ઉપયોગ કરી શકે છે.

(9:57 pm IST)