Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશમાં ફરી લોકડાઉન લાગુ કરાશે નહીં : કેન્દ્રની સ્પષ્ટતા

રાજ્યવાર કેન્ટેનમેન્ટ ઝોન ઊભાં થતાં હોવાની દલીલ : કોરોનાના કેસ વધે તો જે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકાર રાજ્યોને અગાઉથી જ આપવામાં આવેલા છે

નવી દિલ્હી, તા. ૧૫ : સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તેની સાથે એવું પણ ચર્ચાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર ફરીથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી શકે છે. કેટલાંક રાજ્યોએ તો આ દિશામાં જાહેરાત પણ કરી દીધી છે. જોકે, બુધવારે આ અટકળો પર કેન્દ્ર સરકારે પૂર્ણ વિરામ મુકી દીધું છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરી લોકડાઉન લાગુ નહીં થાય તેમ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલમાં લોકડાઉનની જરુર નથી. રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા માટે કામ ચાલી રહ્યુ છે. ઉપરાંત કોરોનાના કેસ વધે તો જે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકાર રાજ્યોને અપાયેલા જ છે.

           અન્ય એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, કોઈ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે છે તો કેટલાક દિવસનું લોકડાઉન તેટલા વિસ્તાર પૂરુતુ લાગુ થઈ શકે છે.જેમ કે મધ્યપ્રદેશે દર રવિવારે અને યુપીએ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનુ નક્કી કર્યુ છે.મહારાષ્ટ્રે પૂણેમાં લોકડાઉન ચાલુ કર્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી રહી છે કે, રાજ્યો જ્યાં કેસ વધે છે તેવા વિસ્તારો પર સક્રિય થઈને કામ કરે, નહીતર તેની અસર બીજે પણ પડી શકે છે અને કેસ વધી શકે છે. જો એ પછી પણ સ્થિતિમાં બદલાવ ના થાય તો રાજ્યો એટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી શકે છે.

(9:55 pm IST)