Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

હું કોંગ્રેસમાં જ રહીશ, ભાજપમાં જોડાવાનો નથી : સચિન પાયલોટ

કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ નેતા પત્રકારો સમક્ષ હાજર થયા :ભાજપ સાથે લિંક કરીને મને બદનામ કરાઈ રહ્યો છે, ગાંધી પરિવાર દ્વારા સચિન પાયલોટને પક્ષમાં રહી જવા જણાવાયું : હજુ પણ સ્થિતિ અનિર્ણિત

નવી દિલ્હી, તા. ૧૫ : રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી સચિન પાયલોટની હકાલપટ્ટી બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જોકે, સચિન પાયલટે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં બુધવારે જણાવ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થવાના નથી. બીજી તરફ, તેમને ગાંધી પરિવાર દ્વારા પાર્ટીમાં રહી જવા માટે કહેવાયું છે. જોકે, તેના માટે તેમણે માફી માગવી જોઈએ તેમ પાર્ટીના કેટલાક સભ્યો માને છે. શશી થરુર સહિતના સાંસદોએ તો પાયલોટની હકાલપટ્ટીને દુઃખદ પણ ગણાવી છે. પાયલોટે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગું છુ કે મારી ભાજપમાં સામેલ થવાની કોઈ યોજના નથી. ભાજપની સાથે લિંક કરીને મારી છબિ ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો સભ્ય  આગળ શું કરવું છે તેના પર હજુ હું લઈ રહ્યો છું. હુ રાજસ્થાનના લોકોની સેવા કરવા માગું છું. 

              મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પાયલટની રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદેથી અને રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. પાર્ટીએ પાયલટની સાથે રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પણ મંત્રી પદેથી હટાવી દીધા હતા. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત બે મંત્રીઓને પક્ષમાંથી હાંકી કઢાયા બાદ કોંગ્રેસ હવે પાયલટ તેમજ કેટલાક ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની નોટિસ ફટકારશે. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિધાનસભા પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસ તમામને અયોગ્ય ઠેરવવાની નોટિસ મોકલશે તેમ પક્ષના એક અગ્રણી નેતાએ જણાવ્યું છે.

             રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણને લઈને ગેહલોત અને સચિન પાયલોટ જૂથમાં ફાંટા પડી ગયા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અવિનાશ પાંડેએ બુધવારે જણાવ્યું કે, વિધાનસભા પક્ષની બેઠકમાં ગેરહાજર રહેલા સચિન પાયલટ સહિતના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટેની નોટિસ મોકલવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ગૃહના અધ્યક્ષ સમક્ષ આવા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પીટિશન પણ ફાઈલ કરી દેવામાં આવી છે. જો ધારાસભ્યો દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો સ્પીકર તેમના ભાવિ અંગે નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની વિધાનસભા પક્ષની બેઠકમાં સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

(7:39 pm IST)