Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૯૫ વર્ષના આ દાદાએ વર્ષોથી વાળ કપાવ્યા નથી

નવી દિલ્હી,તા.૧૫ : ૨૪ ફુટ લાંબી જટા માથા પર લપેટી રાખે છે ૧૯ ફુટ લાંબા વાળ માટે ગુજરાતી સવજીભાઈ રાઠવા પણ જાણીતા થયા હતા. લોકડાઉનના ત્રણેક મહિનામાં વાળ કપાવ્યા વગર અસ્વસ્થ થઈ ગયેલા લોકોને માટે વિશિષ્ટ સમાચાર છે. કર્ણાટકના ચિત્રદુર્ગના મોકલામુરૂ ગામના રહેવાસી ૯૫ વર્ષના એક દાદાએ અત્યાર સુધીમાં એક પણ વખત વાળ કપાવ્યા નથી. આજ સુધી હજામની દુકાને નહીં ગયેલા દોદાપલ્લૈયા નામના વૃદ્ઘ તેમની ૨૪ ફુટ લાંબી જટા માથા પર લપેટીને રાખે છે. પોતાને દેવનો અવતાર માનતા દોદાપલ્લૈયાને જટા બાંધવા માટે બે જણની મદદની જરૂર પડે છે. સતત વધતા ગયેલા અને કયારેય ન ધોવાયેલા લાંબા વાળને કારણે દાદાને પીડા પણ થાય છે, પરંતુ તેમને દેવનો અવતાર દેખાવા માટે જટા અનિવાર્ય લાગે છે.

ઘણા લાંબા વાળ રાખવાની પરંપરા ભારતમાં નવી નથી. હિમાલય, વિંધ્યાચલ કે ગિરનારના પર્વતોમાં ફરતા સાધુઓની જટાઓ અને દાઢી-મૂછના વાળ કોઈએ માપ્યા નથી, પરંતુ જે સંસારી કે સાધુઓના વાળ માપી શકાયા છે એમાં ૧૯ ફુટ લાંબા વાળની નોંધ ગુજરાતના સવજીભાઈ રાઠવાના નામે છે. સવજીભાઈ કાળા દોરડામાં વણીને હાથ પર વીંટીને તેમની જટા રાખે છે. ભારતના સકલ દેવ ટુડ્ડુએ ૪૦ વર્ષથી વાળ કપાવ્યા નહોતા. ૫૪ વર્ષ સુધી વાળ નહીં કપાવવાનો વિક્રમ ચીનના એક માણસના નામે છે.

(2:57 pm IST)